25 - ઝેરી કાળોતરો / વિનોદ જોશી


ઝેરી કાળોતરો ડંખે રે !
કાંઈ મીઠો લાગે કાંઈ મીઠો લાગે
મારી આરપાર શેરડીનો સાંઠો,
આરપાર શેરડીનો સાંઠો રે લોલ...

વેણીનાં ફૂલ જેવી ભરડાની ભીંસ
ભીતરમાં ભંડારી લોહીઝાણ ચીસ;

પીડા ઘેઘૂર મને રંગે રે !
કાંઈ ફોરી લાગે કાંઈ ફોરી લાગે !
હજી તાણો આ રેશમની ગાંઠો
તાણો આ રેશમનીગાંઠો રે લોલ...

વાદીડે કેમ કર્યા મહુવરના ખેલ ?
રાફડામાં પૂર્યા કઈ લીલાં દીવેલ !

નીતરતું ઘેન મારે અંગે રે !
કાંઈ ભીનું લાગે કાંઈ ભીનું લાગે !
મારે છલકાવું કેમ ? નથી કાંઠો,
છલકાવું કેમ ? નથી કાંઠો રે લોલ...


0 comments


Leave comment