92 - મનાઈ છે / વિનોદ જોશી


અહીં ધૂમ્રપાન કરવાની સખ્ત મનાઈ છે.
બીડીની લાશ મારી પોતાની જણાઈ છે.

અકબંધ સાચવી મેં પીડા દીવાસળીમાં,
જીવલેણ હર સપાટી તે દિ’થી ગણાઈ છે;

બરછટ હથેળીઓની દાનત નહીં જ પૂછો,
અણજાણતાં એ ચાદર રેશમની વણાઈ છે.

અમથું જ ઝાલી રાખ્યું છે હાથમાં હલેસું,
નૌકા હથેળીઓની રેખામાં તણાઈ છે.

નાજુક ત્વચાનો બુઠ્ઠો ઇતિહાસ આંગળીમાં,
એના ઉપર હવેલી શબ્દોની ચણાઈ છે.


0 comments


Leave comment