95 - શિખંડી / વિનોદ જોશી
પ્રવક્તા :

વિજીત શ્ર્લથ સૂર્યને ક્ષિતિજદાહ દીધા પછી,
છકેલ અભિસારિકા સમ પરિસરે ચંદ્રિકા;
પ્રશાન્ત નભમાં પડી કણસતી હજી ક્યાંક લૂ,
ઝબૂક હસી તારિકા ધન વિભીષિકા ચીરતી.

ઝાંખાં અંધારાં થકી આરપાર,
બીતાં બીતાં બ્હાર જોયું ઉલૂકે
નક્ષત્રોની ગુંજતી શી સિતાર !
ઘેરાતી ચોપાસ ગ્લાનિ વિલોકે.

કુરુક્ષેત્રે પડી આજ કાળરાત્રિ કરાલ, છે
થયો પૂરો સદસદ્દ ના સંગ્રામે દસમો દિન;
શરશય્યા પરે સૂતા મરણાસન્ન ભીષ્મને.
શિખંડી દૂરથી જોતો ઝીણું ઝીણું રહ્યો હસી.

પરમ મુદિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે,
નિરવધિ સુખ એના નેત્રમાં તરવરે છે.

મહા –
મહાવિનાશ બાદ,
આજ છે
શિખંડીને
અપૂર્વ
પર્વ.
ભીષ્મ –
કાળઝાળ
ગ્રીષ્મ-શો દઝાડતો પ્રપાત
અંગઅંગમાં
અસંખ્ય બાણનો
લઈ –
પડ્યા,
આર્ત વેદના થકી જ ત્રસ્ત.

છે ન ક્યાંય
આસપાસ
કૌરવેન્દ્ર
એ વિલોકવા.

સમસ્ત ક્ષેત્ર
માત્ર
એકલાપણાં થકી જ ગ્રસ્ત,
ભીષ્મ
શાંતનુતનુ મહારથી,
કરાંજતા પડ્યા
પ્રમત્તચિત્ત,
કાકવત્.

ટમક ટમક ટાંક્યા તારલાથી મઢેલું,
ફરર ફરકતું આકાશનું વસ્ત્ર ઘેલું;
મધુરતમ હવાની લ્હેરખી મંદ મંદ,
મૃદુલહૃદ શિખંડી ઝીલતો સ્પંદ સ્પંદ !

પ્રગાઢ કુરુક્ષેત્રે આ રુધિરસક્તિ ઘોરે, ક્વચિત્
ઉલૂક વળી સંગ દે કણસતા જ ગાંગેયને;
શિખંડી હળુ માંડતો ડગ ભરે શું ઉન્માદથી !
સુતુષ્ટ શુચિ ચંદ્રિકા અભિસરે તમિસ્ત્રો હણી.

પરમ મુદિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે,
નિરવિધ સુખ એનાં નેત્રમાં તરવરે છે.

ઓચિંતાનું અરે ! એ દ્રુતગતિરથના ચક્રથી ઉદ્દભવેલી,
ધૂળેટાયી છતાંયે ઝળહળ થતી કો’ વીથિકા ઉપરેથી;
લીધી ભીષ્મે ઉપાડી ત્રણ ત્રણ તનયા કાશીરાજેન્દ્રની એ,
આવી ઊભું સ્મૃતિમાં, અકળ પડળ શાં ખેસવે છે શિખંડી !

શિખંડી :

ન હું શિખંડી.
હું,
શૌભરાજવી
કુમાર શાલ્વને
ચિત્તથી વરી ચૂકી હતી
કદા –
એ જ કન્યકા.

જાણું છું, ભીષ્મ ! જાણું છું, તમારા કર્મની ગતિ,
તમે યે જ્ઞાત છો એ હું અંબા, કાશીનરેશની.

હતી નર્તન્તી હું સરિત ઉદધિ પાસ ઘસતી,
હતી કૂણી વલ્લી તરુથડ વીંટાવા તલસતી;

હતી જ્યોત્સ્ના ઝીણી ઝલમલ હવામાં પ્રસરતી,
હતી મુગ્ધા મેઘા ઝરમર ઝૂકી જૈ વરસતી.

હોત હું સરિત,
હોત વલ્લી હું,
હોત જ્યો ત્સ્નિકા હું,
હોત વાદળી,
હોત શાલ્યની જ હું સમર્પિતા.

છું ગ્રીષ્મમાં ધધખતી મરુભૂમિ આજે,
છું શુષ્ક ઊર્વ લયલુપ્ત વિવિક્ત વંધ્ય;
છું સ્વપ્નશૂન્ય તરસી અનિમેષ રાત્રિ,
છું એ જ ઊષર–જુઓ નખશિખ–અંબા.

સુમિત શાલ્વ ! અરે, પ્રિય ! સાંભળે ?
સુણ, પિતામહ પામાર આજ, શાં
તરફડે શતકોટિ વ્રણો થકી
રુધિર ? ના, મમ શાપ જ નીંગળે !

ઉત્તુંગ હર્મ્ય અતિભવ્ય તણી સુરમ્ય,
અટ્ટાલિકા થકી તને વરમાળ ફેંકી;
ધાર્યું હતું મધુ નિમજ્જન હંસિકાનું,
ખૂંપી અરે ! અધમ ભીષ્મ તણાં જ પંકે !

શુભાંગ સૌભાગ્યથી થાય ચિહ્નિત,
બે પંખુડીઓ અવગુંઠને મૃદુ
હસે, સમટાઉં સલજ્જ, ત્યાં અરે !
તડાક, તૂટી મુજ ભાગ્યઆરસી !

છટકવા તફડી સપડાઈને,
શિથિલ તોય ન બંધન થાય એ;
રથગતિ દ્રુત, અશ્વ હણેણતા,
સતત, મૂર્ચ્છિત હું અબળા હતી.

પ્રત્યગ્ર પ્રાવૃષ છતાં ઘનઘોર શુષ્ક,
નક્ષત્રક્ષેણી ઝબકી થઈ છિન્નભિન્ન;
મંજુલ શર્વરીય કલાન્ત જ કાન્તિલુપ્તા,
ડોલ્યું પ્રસૂન, પણ રે ! મરડાઈ ગ્રીવા.

ચૂંથાયેલી તરફડતી કો’ પંખિણી હોઉં એવી,
ઉદ્દભ્રાન્તા, વિશ્ર્લથ, વિવશ, આક્રાન્ત, હાંફી જઈને;
ફીણોટાતી રહી, અતલમાં ઓગળ્યા આર્તનાદો,
હા ! ધિક્ ! હું પ્રચ્યુત અપહૃતા, તાહરી દત્તચિત્તા.

અભાગી હું ! અરે ! સ્વપ્નો જોતી ઘેલી નિમીલિતા,
અરે ! હું કેમ આવી જ તારાં દ્વારે તિરસ્કૃતા ?
સ્વીકારે કેમ તું ? જાણું તારા ક્ષાત્રત્વતેજને
સમુદ્રે ઝૂંટવ્યું વારિ પાછું શેં સરિતા બને ?

ઓ શાલ્વ ! ઉન્મૂલિત હું અવરુદ્ધ એવી
ગન્તવ્યચ્યૂત, દીપમાલ બુઝાયેલી હું;
હું સ્વપ્નની બટકણી પળ, નિસ્સહાય,
ભાંગી પડી ભટકતી રહી અત્રતત્ર.

પરશુરામ પરંતપથીય તે,
વિષમ ભીષ્મ રહ્યા અપરાજિત !
કકળતી રહી હું લઈ કામના,
સળગતી રહી દારુણ યાતના.

ઉત્ક્ષેપાતી બધેથી વિમનસ, વિવશા, ચંદ્રમૌલિકૃપાથી
પ્રાણાંતે ઉદ્દભવી હું દ્રુપદસુતનયારૂપ જન્માંતરે, ને
આપ્યું જેને પ્રભાવી નિજપુરુષપણું, હા, સ્થૂણાકર્ણ યક્ષે,
એ, આ એ હું શિખંડી ગતજનમ તણી, શાલ્વ ! તારી જ અંબા !

હું પાર્થનું કવચ, હું રણ –અગ્રયાયી,
ને આજ ભીષ્મ મુજ સન્મુખ આતતાયી
ઝીંકી નિખર્વ શર ચાળણી જેમ વીંધી,
આકંઠ આજ પરિતૃપ્ત પ્રપૂર્ણ અંબા !

જો, શાલ્વ ! એ ભીષ્મ મહારથી આ,
કેવા કરાંજે અતિ વેદનાથી !
શી કાળરાત્રિ નિજનો દુપટ્ટો,
અટ્ટાટ્ટહાસ્યે ફરકાવતી, જો !

પરિમલ અભિસારી આછો વહે લયમાં, રહે
પુલકિત બધાં ગાત્રે કેવો અડી, શુચિ રેલતો !
ત્રમ ત્રમ થતું બોલી ઊઠે જરા તમરું વળી,
પલકભરમાં કોઈ ઉલ્કા ખરે, નિરખી રહું.

શાતા પ્રગાઢ અભિલિપ્ત અનુભવું છું,
પામી અભીષ્ટ મૃદુપાય પરિસરું છું;
ચૈતન્ય ઉત્પ્લવિત આજ અતંત્ર કેવું ?
નર્તન્ત કો’ ઝરણ હોય ઉપત્યકાનું !

જાણું છું, ભીષ્મ ! જાણું છું, તમારા કર્મની ગતિ,
શિખંડી આજ હું, ના એ અંબા કાશીનરેશની;
શમ્યા આકર્ણ પ્રત્યંચાના ટંકારો ભયાનક,
થયું મારું શિખંડીત્વ જાણે આજે જ સાર્થક !

પ્રવક્તા :

ધીમે ધીમે ડગ ભરી શિખંડી ફરે આમતેમ,
ધીમે ધીમે પ્રહર પણ ચાલી રહ્યો રાતનો આ;
થાકીપાકી રણભૂમિ પ્રસુપ્તા, કવચિત્ કોઈ તારો,
મધ્યાકાશે કરી ઉઝરડો ક્યાંક જાતો લપાઈ !

રુધિરનો પટ રક્તિમ ખૂંદતો,
ડગ-સગર્વ પ્રસન્ન–ઉપાડતો
રઝળતાં મડદાં ટપતો જતો,
સમીપ ભીષ્મ તણી જઈને ઊભો.

પરમ મુદિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે,
નિરવધિ સુખ એનાં નેત્રમાં તરવરે છે.

રણઝણ થતી નક્ષત્રોની સિતાર સુમંદ શી !
મધુમય હવા ઝીણું ઝીણું મૃદુ મલકી રહી;
સમય શ્વસીને વારે વારે જતો પડખું ફરી,
અરવ ગતિથી ઝાંખીપાંખી રહી રજની સરી !

શરાવલિગ્રસ્ત શરીર સૂતું,
ભૂમિ થકી ઉર્ધ્વ મનોભિરામ
ઊનાં રુધિરે વ્રણ કોટિ દૂઝે,
ઢળી પડ્યાં છે શ્ર્લથ બેઉ પોપચાં.

નિકટથી મરણોન્મુખ ભીષ્મને,
નિરખતો પળવાર ઝળૂંબીને;
કંઈ અકથ્ય શિખંડી અનુભવે,
પલકમાં ગતજન્મ સ્મરી રહે !

આપન્ન સદ્યપરનિર્વૃતિ એ ઊભો છે,
આસન્નકાળ-મરણોન્મુખ-ભીષ્મ-પાસે;
પ્રાપ્તવ્યસંચિત છતાં મનમાં ન જાણે,
નિર્વેદ શો પ્રસરવા અનજાણ લાગે !


પ્રવક્તા :

ક્ષણ પછી ક્ષણનાં સ્તર એદ્દ્ભાવે,,
સમયપિંડ અખંડ જતો વધ્યે;
ભીષણ યુદ્ધ પછી અવસદમાં,
વ્યથિત શાં મરણોન્મુખ ભીષ્મ હા !

ધવલ મસૃણ શ્મશ્રૂ નાભિપર્યંત દીર્ધ,
ઝગમગ દ્યુતિવંતાં બ્રહ્મચર્યે જ ગાત્રો;
બૃહદફલક સ્કંધો, સુપ્ત આજાનબાહુ,
નિમીલિત દ્રગ બેઉ ભીતરે દૂર જોતાં.

અકિંચન પરાસ્ત દેહ શ્વસતો સ્વકર્મો સ્મરી,
અતીત તણી આવ-જા સતત વ્યગ્ર ચિત્તે થતી;
ઈષતક્ષત જીવિતનું સ્મરણ માત્ર શું પીડતું !
ઉઘાડી ઘડી મૃત્યુદ્વાર વળતી પળે ભીડતું !

ખળભળે અવિરામ અશાતના,
પળપળે પ્રસરી રહી યાતના
સહજ સ્હેજ ખૂલે હળુ પોપચાં,
તહીં શિખંડી જ સન્મુખ દીસતો !


ઝલમલ થતો આછો વાયુ ઘડીભર સૂસવે,
ઉડુગણ તણી પાંખો થતી અવાચક, રાત્રિયે
લપસતી જતી જાણે એવી ત્વરાથી રહે ધસી,
ક્ષણ પછી ક્ષણો વીતે તેનું છતાં નહીં ભાન ત્યાં !

અશ્રુબિન્દુ છલછલી જતાં લોચને જોતજોતાં,
સામે ઊભો અપલક શિખંડી વિલોકે વિહાસી !
નક્ષત્રો અવિદિત ઝરે રાગિણી શી પ્રફુલ્લ !
ન્હાતી તેમાં મદભર અનાવૃત કૈં લ્હેરખીઓ.

અવશ ભીષ્મ વિષણ્ણ, વિષાદના
પડળગ્રસ્ત, હૃદે પરિદેવના;
નિકટ જોઈ શિખંડી વિહાસતો,
અનુભવે ક્ષણમાં શીય વેદના !

નેત્રો સદ્ય બિડાય, કલાંત હૃદયે અક્ષુણ્ણ જાગે સ્મૃતિ,
ને ગાંગેય અતીત ઉત્ખનનમાં ડૂબે પ્રવેગે કરી;
આવે એ ક્ષણ યાદ એ અપહૃતા અંબા જ – અસ્વીકૃતા
ને ઉન્મૂલિત – છેવટે વદી હતી, ‘ભીષ્મ, ગ્રહો હે ! મને !’

સડસડાટ પસાર થઈ જતી,
મૃદુલ ઝંકૃતિ સુપ્ત શરીરમાં;
સ્મરણની લઈ ટેકણગાડી,
સુદૂર ભીષ્મ સરે ભૂતકાળમાં.

ભીષ્મ :

કહી નવ શક્યો અરે ! કશુંય આજ પર્યંત હું,
રહ્યો સબડતો નિગૂઢ દવમાં અભિક્ષિપ્ત હું;
કહું અવ સમાપ્તિકાળ પ્રતિ જોઈ મારી ગતિ,
હજી નિકટ આવ, આવ પ્રિયે, હે શિખંડી ! હજી...

પળનું પગલું દબાવતું,
પળમાં મોત અહીં પહોંચશે;
ઝબકી ઝબકી ડરાવતો,
હમણાં કાળ અહીં ઝળુંબશે.

મુજ પ્રતિ પ્રિય ! ઉન્નતભ્રૂ ન થા,
સજળ નેત્ર મહીં છલકે કથા;
અતિક્રમી ન શક્યો ક્રૂર દૈવને,
ન અવ શક્ય જ સંઘરવી વ્યથા.

ગાત્રો જાણે ભડભડ બળે સૂસવે શ્વાસ એમાં,
આ શય્યામાં ટળવળવુંયે શક્ય ના હાય ! અંબા;
ધીમે ધીમે કરવત ફરે મોતની તીક્ષ્ણ કેવી !
વ્હેરાતો હું રહું વ્યતીતના ભાર નીચે દબાઈ !

પ્રદમ્ય નહીં પાંચજન્ય, નહીં પાર્થનું ગાંડીવ,
ન કોટિ શર પીડતાં, રુધિરસિક્ત ગાત્રો ય ના;
ન ચિત્ત થતું વ્યગ્ર જોઈ શતલક્ષના નાશને,
પરંતુ બસ, તાહરું સ્મરણ માત્ર પીડે મને.

તું શાલ્વની પ્રિયતમા, તું પ્રદત્તચિત્તા,
ગાંગેય હું અભિહિત વ્રતબદ્ધ ભીષ્મ;
તું માહરી અપહૃતાય, તિરસ્કૃતાય,
કર્તવ્યમૂઢ અધમાધમ હું , હાય !

શરણ અવશભાવે માહરું તેં લહ્યું ‘તું,
રણઝણ મુજ હૈયે-એ ક્ષણે કૈ થયું ‘તું;
પલકભર પ્રતિજ્ઞા વીસરી મુગ્ધ હૈયે,
અતિશય તુજનેં મેં ચાહી’તી રોમરોમે !

લાંબી ગ્રીવા નમાવી સરવરજળમાં ચીતરે હંસ લ્હેરો,
લજ્જાભારે છુપાવી વદન સુકુમળું હંસિકા ન્હાય તેમાં;
એવું એવું ક્ષણાર્ધે નિમીલિત દ્રગથી મેં વિલોકી જ લીધું,
રોમાંચે શી ત્વરાથી પ્રણયઅમૃતનું સત્વ જાણી જ લીધું !

રહ્યું ન કશું ભાનસાન પ્રિય ! ડૂબતો હું ગયો,
સુણ્યો પ્રથમ પ્રેમનો સ્વર, ‘ગ્રહો મને, ભીષ્મ હે !’
ખરે વિકલચિત્ત મેં ગ્રહી જ હોત, અંબા ! તને,
ચડી સ્મરણમાં અચાનક અરે ! પ્રતિજ્ઞા મને.

અયુત યૌવનશ્રીથી રહ્યો અને,
મુજ પિતાસુખ કાજ રહ્યો મને;
વશ કર્યો નિજ દેહ દમી દમી,
જીવિતમાં ન મળ્યું અદકું અમી !

રથ પવનવેગે વીંઝાતો અરુદ્ધ જતો ઉડ્યે,
તરફડ થતી ઝાલી’તી મેં ભુજા મહીં સુંદરી !
પ્રથમ પરશ્યાની શી આલિંગતી મૃદુ ઝંકૃતિ.
હું ય મનુજ છું, મારી છોડી શકું ક્યમ પ્રકૃતિ ?

દ્રગ પરોવી દ્રગે નવ જોયું તેં,
ન મુજ ભાવ કળી શકી બંધને;
પ્રથમ સ્પર્શ તણી ક્ષણ એ હતી,
પ્રથમ એ ક્ષણ કામ્ય તને ગણી.

ઝણણ ઝાલર કોઈ ઝણેણતી.
પલકમાત્ર સકંપ અનુભવી;
સકલ ગાત્ર પ્રહર્ષિત સ્પંદને,
ફરફર્યો ધ્વજ ઉત્પ્લુત સ્યંદને.

તને મેં પીડી છે અવશ બની ઉત્ક્રાન્ત તનથી,
તને મેં ચાહી છે વિવશ બની ઉદ્દભ્રાન્ત મનથી;
પ્રતિજ્ઞા સંતાપે ઘડી, ઘડી ઝુરાપો પ્રણયનો,
શ્વસું છું અ છેલ્લી ક્ષણ સુધીય આંતક દવનો.

મયંક દ્યુતિમંત હું ન કદી પૂર્ણિમાનો થયો,
થયો નવ અમાસની તીમિરઘેરી કો’ રાત્રિયે;
અરે ! અધવચાળ અષ્ટમી તણો રહ્યો ચંદ્ર હું,
ન શુક્લ, નહીં કૃષ્ણ ! પૂર્ણપદ કોઈ ના સાંપડ્યું !

આપદ્દધર્મ બજાવવા ડગ ભર્યું વચ્ચે પ્રતિજ્ઞા પડી,
તેને સાચવી તો તને રઝળતી રાખી જ દુર્દૈવમાં;
દ્યપિ ઝૂરતો રહ્યો અહીં તહીં આક્રાન્ત, કેવી વ્યથા !
પશ્ચાત્તાપ મહીં હવે પ્રજવળતી મારી અકારી કથા !

સદ્દભાગ્ય ! આજ મુજ સન્મુખ તેં ઊભીને
આયુધ એક પછી એક મને જ તાક્યાં;
એક્કેક બાણ મુજ તુજ ચુંબન જેમ ઝીલયા,
એક્કેક ઘાવ ફૂલ જેમ પ્રપૂર્ણ ખીલ્યા !

ઇચ્છામૃત્યુ અજિત હું છતાં યાતનાગ્રસ્ત મારું,
વીત્યું કેવી જીવિત સઘળું ! અર્થ આયુષ્યનો શું ?
બબ્બે જનમો તુંય તરફડી દિપ્ત વૈરાગ્નિ મધ્યે,
પામી આજે પ્રથિત, પણ નિર્વેદથી આર્દ્ર છે તું !

નિકટ બેસી પસાર લલાટને,
દ્રગ પરોવી દ્રગે દુઃખ જોઈ લે;
સળગતા કુરુક્ષેત્રની સાક્ષીએ
કર અનુગ્રહ શીતળતાભર્યો !

પ્રવક્તા :

છલછલી જતાં નેત્રે બેઠો શિખંડી સમીપમાં,
નિજ કર થકી લૂછે અશ્રુ શરાધીન ભીષ્મનાં;
વ્રણ રુધિરથી દૂઝે, સૂઝે કશું નવ બ્હારનું,
અવ ભીતરનાં ઊંડાણોમાં નિગૂઢ હતું કશું !

પરમ વ્યથિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે,
નિરવધિ દુઃખ એનાં નેત્રમાં તરવરે છે.

લચકતી ડગ માંડતી શર્વરી,
નભ વિશાળ પટે જતી નર્તતી;
મદભર્યા પદતાલ પરે થતા,
ઉર વિદારી વિલોપિત તારકો.

સુમંદ શીળી મૃદુ લ્હેરખીમાં,
ક્ષણો રહી ઝૂલતી આમતેમ;
નક્ષત્રશ્રેણી ભરી અંજલિમાં,
શો કાળ ઊભો અહીં અર્ધ્ય આપવા !અવિરત ઋજુ શાંતિ ચારે દિશે પ્રસરી રહી,
સુરભિત કશું લીંપે કોઈ અગમ્ય નભાશ્રિતા;
અવિદિત લઈ રંગો વિસ્તીર્ણ આ અવકાશમાં
હળુ હળુ ફરે પીંછી ચિત્રો અગોચર દોરતી.

વિકલ ચિત્ત વિશુદ્ધ થતું જતું,
છલકતું સુખ દિવ્ય સુનેત્રમાં;
સજળ પક્ષ્મ પ્રકંપિત ભીષ્મનાં.
વરસતાં ડૂસકાંય શિખંડીનાં !

અમીભીની દ્રષ્ટિ વિનત પસવારે વ્યથિતને,
છલે સમ્યક્ શાતા પરમસુખ ગાંગેયવદને,
શિખંડી વિક્ષુબ્ધ પ્રબળતમ ભીષ્મદ્રિષ અહો !
હવે પશ્ચાત્તાપે વિગલિત થતાં આર્દ્ર નયનો.

પ્રસન્નતા ઓગળતી હવામાં,
નિગૂઢ શાંતિ પ્રસરી રહી બધે;
પરસ્પરાવૃત્ત વ્યતીત વાંચી,
નિર્વેદમાં સંયુત બેઉ ડૂબતા.

શિખંડી :

ક્ષન્તવ્ય, હું તુચ્છ શિખંડી, ભીષ્મ !
જાણ્યો તમારો નવ સ્નેહભાવ;
દુર્દૈવ પ્રેરિત પ્રમત્ત ચિત્ત,
કેવુંય ઉદ્દભ્રાન્ત હતું જ મારું !

કલ્પી શકું ક્ષણ અનુભવી જે તમે એ,
હું કામ્ય તોય નવ ગ્રાહ્ય, પરિસ્થિતિ એ !
રે ! ધન્ય હું ! પલકમાત્ર અનુગ્રહેથી,
સ્નેહાર્દ્ર દ્રષ્ટિ અભિષિક્ત થઈ તમારી !

જગતવંદ્ય પિતામહ ભીષ્મની,
કૃપણપાત્ર મને મળી ચાહના;
વિરલ એ ક્ષણ જીવિતની હતી,
રઝળપાટ વૃથા કરી મેં અતિ.

ક્ષમસ્વ, હે ભીષ્મ ! શરાગ્રશાયી !
સ્નેહહાર્દ્ર ઉષ્માથી અજાણ છેક હું;
વિશુદ્ધ અદ્રેષ હવે પ્રફુલ્લ,
સૌહાર્દમંડિત પ્રસન્નચિત્ત છું !

પણ, અકળ કોઈ ઊંડાણે વિરક્તિ અનુભવું,
સુખદુઃખ મહીં પ્રક્ષેપાતો અશક્ત મને લહું;
વિતથ સઘળું લાગે ઐશ્વર્ય જીવિતનું મને,
અવશ સ્થિતિમાં વીંઝાવાનું અતંત્ર અહીં બને !

દ્રુતવિલંબિત જીવિતની ગતિ,
નિયતિગ્રસ્ત ક્ષણો મહીં ઝૂલતી;
નિજ પ્રતિ ન સ્વયં અધિકૃત હું,
નહીં જ અન્ય તથા અધિકારમાં.

પડે જનમવું અહીં અધીન દૈવનિર્મિતિને
જીવિત અનિવાર્ય મૃત્યુલગ એય આપદ્દસ્થિતિ;
ધરી સમયભાર સ્કંધ પર ભ્રાન્ત દોડ્યે જવું,
અલક્ષ્ય, અવિરામ, અર્થ નહીં કોઈ અસ્તિત્વનો !

અનુભવ સઘળા વૈતથ્યમાં થાય પૂરા,
ક્ષણ પછી ક્ષણ વચ્ચે સ્વપ્ન છૂટે અધૂરાં;
સુખ છલકતું મારા નેત્રમાં શું અપાર !
અવિદિત કશું પીડે તે છતાં આરપાર !

પ્રવક્તા :

પ્રહર મંથર ગોકળગાય શો,
સરકતો સુપ્રભાત પ્રતિ જતો;
રવિદ્યુતિ પ્રમુદિત પ્રતીક્ષતી,
ક્ષિતિજ ચૂપ દીસે દ્રગ માંડતી

બોલી બધું ફરી શિખંડી જણાય ખિન્ન,
એકાદ તારક ખરે, નભ થાય છિન્ન;
ઉદ્રિગ્ન, વ્યગ્ર, અસમાહિતચિત્ત બેઠો,
તાકી રહ્યો પરમસંવિદ ભીષ્મ સામે.

પંપાળતો ઓસરતી ક્ષપાને,
ફરી રહ્યો છે કર મંદ વાયુનો;
પ્રભાતની બંસરી દૂર વાગે,
શો કાન માંડી અહીં કાળ સાંભળે !

આનેત્ર અસ્ખલિત ભીષ્મ શિખંડી સામે,
જોતા નિગૂઢ સમભાવ થકી અપૂર્વ;
પ્રજ્ઞાદ્યુતિ ઝળહળે દ્રગમાં પ્રબુદ્ધ,
આકંઠ તૃપ્ત મન સંચરતું વિશુદ્ધ.

ભીષ્મ :
ન શોક કરે, હે શિખંડી ! બસ, જે થયું તે થયું,
હવે પુલકમાત્ર પૂર્ણ બની પદ્મ ખીલી રહ્યું;
અનર્ગળ સ્રવી ગયું વ્યતીત રુગ્ણ આ અશ્રુમાં,
શમી વિષમ વિદ્રિષા ઋત ઝળાંહળાં અંતરે.

અગનઝરતો દોડી ઉત્તપ્ત કાળ ચહુદિશે,
વિષમય ફણા ફુત્કારીને ડસે અહીં, ત્યાં, તહીં;
નહીં અકળ સૌ સંદર્ભોની પરિધિથી મુક્ત હું,
વિગલિત છતાં પશ્ચાત્તાપે સ્વ-ભાવથી યુક્ત હું.

અતિનિકટ તને જોઈ અનાલંબ આત્મા,
મધુરમ ક્ષણો પામ્યો જીવિતવ્યની આ;
રુધિરટપકતો મારો વૃથા દેહ જાણે,
મૃદુલકુસુમતલ્પા ઉપરે સુપ્ત લાગે !

પરમ શાંતિ અનંત પ્રસન્નતા
અનુભવી રહ્યું અંતર માહરું;
જીવિતનો ફલિતાર્થ જ આટલો,
ન મહિમા અવ હોય જ અન્યથા.

વિપત્તિનાં કારણરૂપ જ્યાં ત્યાં,
ભમી રહ્યો નિર્ધ્રુણ કાળ કારમો;
ચૈતન્યના વિસ્મયમાં નિબદ્ધ,
નિશ્ચેષ્ટ, નિ:શબ્દ મનુષ્ય આપણે !

ન રંધ્ર પાછાં વળવાં મળે કે,
ન અગ્રવર્તી અતિપત્તિ શક્ય;
નિગૂઢ અસ્તિત્વ તણાં રહસ્ય,
વિમૂઢ કેવા અપદસ્થ બેઉ !

સતત ઉદ્દગ્રવી કાળ અતંત્ર શો,
ખડખડાટ હસે પ્રતિધોષતો !
કવચ તોડી કઠોર વિવર્તનાં,
પ્રગટવું નહીં શક્ય અહીં કદા !

વિષમ સૌ ઘટમાળ અતિક્રમી,
શ્રમિત ગાત્ર લઈ વિરમી જશું;
ઉતરડાય સ્તરો ક્ષણનાં તદા,
રઝળતી બસ, દંતકથા હશું !

પ્રવક્તા :

ફરફર થતી ઊડી આવે પરોઢની ઓઢણી,
ટમ ટમ થતા તારા જાણે રહ્યા અવ ઓગળી !
કલરવ લઈ ઊડ્યે જાતાં વિહંગ વિલોકતો,
પ્રહર વિલસે છેલ્લે આછો ઉજાસ પ્રચારતો.

નીચે ઝૂકી શિખંડી પદરજ લઈ માથે, અનુજ્ઞા ગ્રહીને,
જાયે પાછો મૂકીને હૃદય તહીં જ પોતા તણી છાવણીમાં;
સૂતાં સૂતાં હજીયે નિમીલિત દ્રગથી ભીષ્મ એને વિલોકે,
પક્ષ્મો વીંધી પ્રવેગે સુખ છલકતું ચૂમે કુરુક્ષેત્રભૂમિ !

રહ્યો જ અગિયારમો દિવસ યુદ્ધનો ઊઘડી;
સશસ્ત્ર રહી ગોઠવાઈ અવશિષ્ટ અક્ષૌહિણી;
કૂદ્યો ત્વરિત કાળરૂપ તહીં સૂર્ય પ્રાચી થકી,
ધસ્યા વિજિગિષુ તણા વિજયઘોષ આકાશમાં.

ભીષણ દ્રંદ્ર પુનશ્ચ શરૂ થતું,
ફરફરે ધ્વજ કેવળ કાળનો;
ક્ષિતિજ શૂન્યમનસ્ક બની, અને
સતત જોઈ રહી વિનિપાતને !


0 comments


Leave comment