63 - પાંદડાની ફરિયાદો મૂળને / વિનોદ જોશી


પાંદડાંની ફરિયાદો મૂળને કરીએ ને મૂળ
છાંયડો જો ખંખેરી નાખે...

પાંદડાંની પછવાડે મોઢું ઘાલીને કોઈ
ખિસકોલી પેટ ભરી હાંફે રે હાંફે... રે... હાં
અવડી તે વાત થાય ટોળું ને એલફેલ
ટોળાને કોણ કહે ઝાંપે રે... ઝાંપે... રે.. જા;

આરસની છોકરીની છાતીના કંપ કોઈ
ઢેફામાં કંડારી નાખે...

ફળિયામાં ધોધમાર લીમડાની છાંય અને
છાંયડીમાં આરપાર ખોસી તેં ધારદાર લૂ,
આંખનું કણું તે ચડ્યું વંટોળે દોમદોમ
અંકાશે ઘૂમરાતા લીમડો ને ડાળ અને હું;

સહરામાં ધામધૂમ બૂંગીયો વગાડી કોણ
ટેરવાંને ઝંઝેડી નાખે...


0 comments


Leave comment