54 - ઓગણીસમું પૂરું થતાં / વિનોદ જોશી


જાવ, મારી છાતીની પાંસળીનાં પોલાણે હંફાતા
ઓગણીસમા શ્વાસ ! જાવ... હવે... જાવ... તમે...

કોઈ યક્ષકન્યાની પાંપણના દોરડાને વળગીને આંખ મહીં
પ્રેમ નામ જંતુને જોઈને પછી જોઈને પછી ડરવું,
કાળઝાળ યોદ્ધાની બુઠ્ઠી તલવાર લઈ હાથ મહીં સ્વપ્નોનાં.
આંખ-કાન-નાક કાપી લઈને કાપી લઈને પછી મરવું;

મારવાની એષણાના ટોળાંઓ બાથ ભરી જીવવાનો
કરતાં આયાસ ! તમે જાવ... હવે જા... તમે...

પાણીમાં ચહેરાઓ ચીતરતી આંગળીના ટેરવેથી લોહીઝાણ
વર્ષોનું એક પછી એક પછી એક એમ ખરવું,
ખેપિયાની ઝોળીમાં મૂંઝાતા મારગોના પીળા કણસાટ સુણી
પાળિયામાં ભૂલેલાં નામ બની નામ બની ઠરવું;

ઠરીઠામ થઈને પછી બેસવાના ખાલીપા રઝળે છે,
થઈને આભાસ ! તમે જાવ... હવે જાવ... તમે...


0 comments


Leave comment