45 - ઝાકળભીના બેઉ હાથમાં / વિનોદ જોશી


ઝાકળભીના બેઉ હાથમાં સળવળતી પળ સરી,
ડુંગર કેડી દરિયો હોડી ઝાડપાન થઈ ખરી.

સપનું છાનુછપનું જાગી
રાત ગયું રે ચોરી,
કાજળની રેખાના સોગન
રહી ગઈ નજરું કોરી;

ટગમગ મારગ જોતી આંખો અંધકારને વરી.

પરવાળાની પોચી પાની
ખરબચડી કાંઈ કેડી,
પગમાં અંતરિયાળ પડી છે
દિવસરાતની બેડી;

પૂનમની મધરાતે એવી બળબળતી લૂ ઝરી.

રેશમિયાં અજવાળાં અંગે
આકળવિકળ ડંખે,
તરફડતા ઘેઘૂર ટેરવાં
લીલી અટકળ ઝંખે;
પીળી પડતર ફૂંક અને આ અવાવરુ બંસરી.


0 comments


Leave comment