64 - પરપોટા થઈ ફૂટી ગયો રે / વિનોદ જોશી


પરપોટો થઈ ફૂટી ગયો રે દરિયો !
કાંઠે બેસી બીજ રોપતા એક છોકરે
છાલ ખાઈને ફેંકી દીધો ઠળિયો...

હથેળિયુંમાં સોળ વરસને દીધી માઝમ કેદ,
નસીબની રેખામાં ઘોળ્યા શ્વાસ ભરેલા ભેદ;

સાવરણીની સાત સળીની આણ ફગાવી
ખીલી ગઈ રે કૂણી કુંવારી કળીઓ...

અંધકારનાં અજાણ રાતાં નગર ફળ્યા બે શ્વાસ,
ગઢમાં ગ્હેક્યા મોર-સાંભળી ફરફર ડોલ્યું ઘાસ;

દરિયો ડહોળી ગીત ગોબરું દરિયાકાંઠે
ભરીભરીને ઠલવે રે આંગળીઓ..


0 comments


Leave comment