80 - એક રોમાન્ટિક અનુભૂતિ / વિનોદ જોશી


પછી દ્રષ્ટિ ત્રાંસી જરીક કરી હું આડશ લઈ
હથેળીની, આછું મલકી ભરી લેતો નયનમાં
સખીવૃંદે બેઠી નમણી રુચિરા અલ્લડ રહી
પ્રિયાને – અંગાંગે અનુભવી રહું કંપ હળવો !
અને એ યે ઓષ્ટે સ્મિતકળી ખિલાવી સુરભિની
ઘીમે ફેરે પીંછી હૃદય લથડે ! નૈન શરથી
વીંધે સ્પંદો કૂણાં, ઉરગભીર આખું ડગમગે !
ખસે ઇંટો ધીરે હૃદયદ્વયની –અંતર ઘટે !
ક્ષણો વીતે જલ્દી, હૃદય અકળાયે મન જતું
રુંધાઈ ને ખાલી હૃદયઘટ આકંઠ ઘડીમાં
ભરાતો, હું ધીરે સ્થિર ચરણ ઢીલાં કરું ત્યહીં
જવા માટે, ત્યાં એ જરીક ઝુકી દોડી જતી, બધાં
જતાં એનાં લજ્જાફૂલ ઢળી, ઉભો સ્તબ્ધ જ હું તો
શ્વસી રે’તો હૈયે ધબકધબ રોમાંચ સઘળો !


0 comments


Leave comment