1 - નિવેદન / વિનોદ જોશી


વાક્યથી પંક્તિ સુધી

વાક્યથી પંક્તિ સુધી પહોંચતાં તો બહુ વાર નહોતી લાગી તેની મને ખબર છે.

પ્રાથમિક શાળામાં જ પ્રાસ મેળવતા આવડી ગયું હતું. પહેલી જ લખાયેલ પંક્તિઓમાં પ્રાસ હતો : ‘રે’ પણ હતો ! પાંચમા-છઠ્ઠા ધોરણમાં, ગામઠી શાળામાં ભણતા એક છોકરાનું આ કવિકર્મ હતું. પંક્તિઓ આમ છે : ‘પોપટ તારી રાતી રે ચાંચ મેં ભાળી, પેલા હાથીની સૂંઢ છે કાળી.’

પંક્તિ સુધી તો પહોંચાયું પણ અપેક્ષિત કવિતા સુધી ? આ આજ લગી એની તો મથામણ છે. જે નથી ઊતરી શકી હજીય કાગળ પર, એ જ પંક્તિ મને હજી લખાવે છે...

દસમા – અગિયારમા ધોરણમાં હતો ત્યારે શિખરિણી, મંદાક્રાન્તા, શાર્દૂલ વગેરે છંદોમાં લખતો થઈ ગયેલો. અરવિંદભાઈ પંડ્યા શિક્ષકના નાતે તેમની ભૂલો સુધારી આપે. બંધારણ શીખ્યા વિના સાચો છંદપથ કરી શકતો હતો. ઉચ્ચરિત છંદોની મોહિની વળગી હતી. કાવ્ય તરફ નહિ, છંદ તરફ જ ધ્યાન હતું. બચુભાઈ રાવતે શિખરિણીમાં લખાયેલું એક સૉનેટ ‘કુમાર’માં છપાયું ત્યારે કંઈ બહુ નવાઈ નહોતી લાગી. પણ શિક્ષકોએ રોમાંચ અનુભવ્યો ત્યારે થયું કે વાતમાં કંઈક દમ લાગે છે. પછી તો લખાતું જ રહ્યું. આપબળે. પિતૃપક્ષેથી વેદપાઠી બ્રાહ્મણ સંસ્કારોથી મંડિત ભાષાના અને માતૃપક્ષેથી તળ લોકબોલી જેવા બે ભાષાસંસ્કારોથી શૈશવ પ્રભાવિત હતું. ભજનમંડળીઓમાં જતો. મંજીરા વગાડતો. ઝાલરટાણે મંદિરમાં તાલબદ્ધ નગારું વગાડું. લય-તાલનાં આવર્તનો લોહીમાં ભળ્યાં, ને ભાષા સરને ચડતી રહી.

ત્યારે મનમાં એવો ખ્યાલ હતો કે કાવ્યમાં કોઈ સંદેશો હોવો જોઈએ. પરીક્ષામાં એક પ્રશ્ન અચૂક પુછાતો : આ કાવ્યમાં કવિ શું કહેવા માગે છે ? હું વિચારતો હતો કે હું કાવ્યમાં શું કહેવા માગું છે ? અને કોઈ ઉત્તર મળતો નહીં. મુંઝાતો. આવવી શરૂ થઈ ગયેલી કાવ્યપંક્તિઓ પછી કથોરે ચડી જતી, ને લખાયેલું ફાડી નાખતો.

કૉલેજમાં ભણવા ગયા પછી સુરેશ જોષીનું ‘કાવ્યચર્ચા’ પુસ્તક વાંચ્યું. ત્યાં સુધી વિવેચન શું કહેવાય તેની ખબર નહોતી. ઉઘાડ થયો. સર્જક-વિવેચન બન્ને વાંચવા લાગ્યો. ગતાગમ પડતી હતી. લાગ્યું કે બન્ને દિશાની મારી ઘણીખરી જાણકારી વગર વાંચ્યે પણ હતી.

કિશોરાવસ્થા સુધીનું જીવન ગામડામાં પસાર થયું. મોસાળમાં ખેતી. આવરોજાવરો ખૂબ. ઢોર ચારવા જતો ખેતીનાં લગભગ બધાં કામ કરતો. કોસ પણ ચલાવતો. રાત્રિના વિવિધ પ્રહરોનાં વહેણ ઘઉંના ક્યારામાં પાણી વાળતાં વાળતાં માણ્યાં છે. જાતે ગાય દોહી શેડકઢાં દૂધની સેર આંચળેથી સીધી મોંમાં ઝીલી છે. મોભારે સાપ લટકતો હોય અને નીચે ખાટલામાં સૂતાં સૂતાં સ્વપ્નભંગ પછીની સ્થિતિમાં નિર્ભય રહેવાનો આનંદ લીધો છે. ઘંટી અને વલોણાની જુગલબંદીથી પરોઢને પ્રભાતિયામાં ઉઘડતું જોયું છે. ચૂલામાં તલસરાં ને છાણાં નાખી ફૂંકણીથી દેવતા પેટાવતાં થયેલ અજવાળે દેશી ગોળનાં ભીલાં ભાંગ્યાં છે. જાતવાન ઘોડીને પલાણી છે. પિતૃ અંકે પોઢંતાં પોઢંતાં પુરુષસૂક્તના બ્રાહ્મણસંસ્કારોથી પરિષ્કૃત યજ્ઞોપવિતને સુરક્ષાચક્રલેખે વર્ષો સુધી ધારણ કર્યું છે.મહિમ્નસ્તોત્ર અને નારાયણ કવચનો ધ્વનિબોધ પ્રશિષ્ટ ઉચ્ચારણોમાં લીધો છે. ટૂંકમાં, લોક અને શિષ્ટ બેઉના પાર વગરના પરચા પામ્યો છું.

ગીતો લખાયાં. ગવાયાં. બહુ ગવાયેલા તરીકે પંકાયો ! એક તબક્કે ગીતમાંથી વિરામ લઈ લીધો. બધું એકની એક છાપ તરીકે ઊતરતું હતું. ‘શિખંડી’ લખાયું. વૃત્તબદ્ધ દીર્ધકાવ્ય. છંદોએ મને ભારે રંજાડ્યો. પણ ઉમાશંકર જોશી અને સુરેશ જોષી બેઉનું બળ મળ્યું. ‘તુણ્ડિલતુણ્ડિકા’ જેવી પદ્યવાર્તા થઈ. એ લખાયાથી મને ઘણો સંતોષ હતો. પણ એ લખાઈ ત્યારે ખાસ બોલી નહીં. રહી રહીને છેક દોઢ દાયકે અનુઆધુનિક કૃતિ તરીકે પોંખાઈ. બધાં મળીને સવાસો દોઢસો જેટલાં કાવ્યો થયાં હશે. છેલ્લા વર્ષોમાં વહેણ ભંડારાઈ ગયાં. પણ કવિતાનો ચરુ ઉકળતો રહ્યો. હવે પ્રબંધકાવ્ય આવશે. સાત સર્ગમાં. દીર્ધ પટ પર. મહાભારતના વિરાટપર્વની સૈરન્ધ્રી એક દાયકાથી મારી પાછળ પડી છે. થોભો અને રાહ જુઓ.

કાવ્યસર્જન અંગે હું નિર્ભ્રાન્ત નથી થઈ શકતો. એ ભાષાની કલા છે તેથી ભંગુર છે તેમ સ્પષ્ટપણે માનું છું. સાહિત્યની કલા ભાષાની કલા હોવાને કારણે તે હંમેશાં અધૂરો અનુભવ આપનારી છે. મને મનુષ્યનિર્મિત આ માધ્યમ પહેલેથી જ અપૂરતું લાગ્યું છે. પણ સાહિત્યકારે લખવાનું તો ભાષામાં જ હોય છે. હું જાણું છું કે ભાષા સાથે જોડાયલો સમય અને ભાષા સાથે જોડાતી ભાતો મને આહવાન આપે છે અને હું ક્રીડાપૂર્વક તેને ભોગવું છે. હું કોઈ કાળખંડ કે કોઈ રીતિમાં મારી સર્જકતાને બાંધાતો નથી. મારી સર્જભાષાનો હું નિયંતા હોઉં છું પણ મને એ ખબર છે કે એ નિતાન્તપણે મારા ઘાટે ઘડાયેલી હોતી નથી. એમાં અનેકોએ પોતાના સંસ્કાર ભેળવેલા હોય છે.

અંગત રીતે હું આધુનિક, અનુઆધુનિક કે પરંપરિત જેવા કોઈ કોષ્ટમાં મને મૂકતો નથી. વપરાયેલી ચીજને હું નવી દેખાય તેવી કરવા મથું છું એટલું જ. ઘણીવાર હું માનું છું તેથી સાવ ઊંધું પણ થતું હોય છે. ભાષા ખુદ મને નચાવતી હોય છે. ભાષામાં કળાનું ઋત પૂર્ણદલ પ્રગટી શકે એ વિષે હું સાશંક છું છતાં આ ઉધામા છે. તેમાંથી બ્રહ્માનંદ સહોદર કોઈ આનંદ મેળવવાના અભરખા પણ છે. ક્રાન્તદર્શન કરવાની નહિ તો પણ તેને જાણવાની અભિલાષા તો છે જ. જોકે આવી મથામણોનું પરિણામ બીજી ઉપલબ્ધિ સિવાય કશું હોતું નથી તેવી સમજથી આગળ હજી જવાયું નથી. કદાચ એ સમજ જ આ મથામણની ઉપલબ્ધિ છે.

હું સાહિત્યસર્જન કરવાના મનસૂબા સાથે નથી લખતો. છંદોલય અને સાહિત્યકલાની થોડી-ઝાઝી આવડતી કૂંચીઓ અજમાવવાના અભરખાથી પણ નથી લખતો. પારિતોષિકોની અભિલાષાથી તો નથી જ લખતો. વાહવાહથી હરખાઈ જવા જેવું કશું હોતું નથી તો બહુ વહેલું સમજાય ગયું છે. ન લખું તો કોઈ અફસોસ નથી. લખીને કોઈ મોટી મોથ મારતો નથી. પણ ગળથૂથીમાં મળેલી ગુજરાતી ભાષા મને આહવાન આપે છે. તેની સાથેની ક્રીડા મને રંજન કરાવે છે, થકવી નાખે છે; ગેબમાં લઈ જાય છે, પ્રશાન્ત કરી દે છે. હું ને મારી ભાષા. હું લખું છું ભાષાનું આ ઋત પામવા માટે. મારો ઉદ્યમ માત્ર મારા માટે. સર્જન મારી જવાબદારી નથી, મારો આનંદ છે.

દેશવિદેશમાં કીર્તિ મળી છે. માન મળ્યું છે. ધન પણ મળ્યું છે. ક્યારેક મારી કવિતા ખુદ મારા જ ગળે ભરાઈ ગઈ છે. મેં ક્યારેક કોઈ પડકારનો સામનો કરવા લખ્યું નથી. લખાય તો લખ્યું છે. સારી કહેવાય તેવી કવિતા લખતો થયો તે પૂર્વે વધારે સારાં ચિત્રો બનાવતો હતો. પછી છૂટી ગયાં. સંગીતમાં ખૂબ રસ હતો, પણ શીખી ન શક્યો. કવિતાએ સાથ નિભાવ્યો.

ટાંપીને બેઠો રહું તોયે ન આવે. ક્યારેક ધક્કા મારી હડસેલું તોયે વળગે. એવું છે મારી કવિતાનું મારી સાથેનું સગપણ. હજી તો વાક્યથી પંક્તિ સુધી જ પહોંચી શકાયું છે. ઊભો છું.

પંક્તિથી આગળ કયો મુકામ હશે ?

- વિનોદ જોશી
‘પ્રયાગ’, ૩૨ – શ્વેતકમલ સોસાયટી,
વિદ્યાનગર, ભાવનગર -૩૬૪૦૦૧
ફોન : ૦૯૮૨૫૯૮૯૭૩૭


0 comments


Leave comment