8 - કુંજડી સૂતી / વિનોદ જોશી


કુંજડી સૂતી સોનાની ડોક પાથરી
રેશમી ટહુકાની ઓઢી રજાઈ.

માથે ઝળુંબે એક ઝાડવું
ઝાડ એક વડલાનું ઝાડ,
અડધો ઓછાયો એના ઓરતા
અડધામાં આંસુની વાડ;

પાંદડું પડખું ફરે ને હલે ડાળખી
ડાળખીના અણસારે ઝૂલે વડવાઈ.

કાચી સોડમ કૂણો વાયરો
વાયરામાં તરતી મધરાત,
ઓચિંતાં ફૂલ એકસામટાં
ફાટફાટ મ્હેક્યાં રળિયાત;

આભનો તાકો તૂટ્યો ને ખર્યું માવઠું
માવઠામાં ધોધમાર વરસી શરણાઈ.


0 comments


Leave comment