21 - વચળી ફળીમાં / વિનોદ જોશી


વચલી ફળીમાં એક ખોરડું જી રે
પાછલી પછીત બારોબાર માણારાજ...

ઈ રે પછીતે એક જાળિયું રે
જાળિયાની પછવાડે,
હેઈ .... જાળિયાની પછવાડે ઝૂલે અંધારું કાંઈ ઘેનમાં રે
એનઘેનમાં રે ! જેમ લીંબુડી ઝૂલે;

જાડી ડાળી ને ઝીણી તીરખી જી રે
કૂણીકચ્ચ કૂંપળનો ભાર માણારાજ...

લીલા તે સાગનો ઢલિયો રે
ઢોલિયાની પાંગતમાં,
હેઈ..... ઢોલિયાની પાંગતમાં ટહુકે મઢેલ એક મોરલો રે
રંગમોરલો રે ! રંગ ધોધમાર ચૂવે;

ઊંડો કૂવો ને પાણી છીછરાં જી રે
ધોરિયામાં છલકાતી ધાર માણારાજ...


0 comments


Leave comment