46 - દરિયાભાસ / વિનોદ જોશી


અમે દરિયો નાખ્યો ડહોળી,
ને નીકળી લંબોલી !
અમે સોનાની જાળને પાણીમાં આરપાર બોળી,
ને નીકળી લીંબોલી...

ધડોધડ પડ્યા હાથ બે હેઠા
કે હાથ બેઉ કાંઠે બેઠા રે ગુમસૂમ,
અડોઅડ જાય આવે ને જાય
એક માછલીનું કુંડાળું થાય રૂમઝૂમ;

અમે રેતી ને ફૂલ ફૂલ ચોળી હથેળીયું ભોળી !
અમે સોનાની જાળને પાણીમાં આરપાર બોળી,
ને નીકળી લીંબોલી...

સરી જાય બેઉ કાંઠે થી દરિયો
ને દરિયામાં હું ને ઝાળ બેઉ ગૂમ,
કાન – બેઉ કાન દરિયામાં ઝિંક્યા
તો ખાલીખમ દરિયામાં માછલીની બૂમ;

અમે આંખ્યેથી હેમખેમ નક્કામી નદિયું ઢોળી !
અમે સોનાની જાળને પાણીમાં આરપાર બોળી,
ને નીકળી લીંબોલી...


0 comments


Leave comment