69 - ભ્રૂણ / વિનોદ જોશી


ગહન અકળ ગેબી અંધકારે ફસાયો,
અવિરત અમળાતો ભ્રૂણ ગર્ભસ્થ ભ્રાન્ત;
ગડમથલ થકી થાકેલ નિસ્પંદ શ્રાન્ત,
કઠણ કવચ વચ્ચે કાળ જેવો રચાયો.

ફરકફરક થતો શ્વાસ ઓઢી જવાને,
અગણિત પડછાયા એકધારા ડખોળે;
હલચલ અણધારી સૌ વળી જાય ટોળે,
સ્તર પર સ્તર વીંધી પારગામી થવાને.

અરધપરધ ગાત્રો વંધ્ય ઇચ્છા પ્રસરે,
સાઘન તિમિરઘેર્યા ચીકણાં કોચલામાં;
ધબ ધબ ધબકારે ઊંચકી લૈ ઉધામા,
અવિદિત પથ કાપી તાકતો મોક્ષદ્વારે.

અકળ કળણ કળા અંધકારે જણાતું,
ધવલ વસન આઘ્ઘે તેજપુંજે વણાતું.


0 comments


Leave comment