58 - ગાય વગરના ખીલાનું ગીત / વિનોદ જોશી


સાંકળ સાંકળ ફાંસો દઈને આઠ ખરી નું ટોળું હાલ્યું
દૂર દૂર એ હજી યાદ છે...

બોઘરણાંમાં રણકે દૂધની સરડક સરડક શેડ્ય
કે ઘમ્મર ગીત અમે સંભાળતાં,
વાછરડાના કાલા કાલા હેત અવેડા થઈ
આંખે છલકાય ને એમાં ગળતાં;

બોળચોથનાં પૂજન વખતે છાંટ્યું કંકુ સૂરજ થઈને
ઊગતું એ તો હજી યાદ છે...

સૂક્કી સૂક્કી પડી પડી રજકાની ભારી હવે
ભાંભરે ગમાણના ખાલીપા,
પડછાયા વાગોળે ટાઢેપ્હોરે અડાયું છાણ
ને ઝંખે આંસુંનાં બે ટીપાં;

તેત્રીસ કોટિ દેવે દીધો એકલતાનો ડઠ્ઠર ડઠ્ઠર
શાપ હળાહળ હજી યાદ છે...


0 comments


Leave comment