47 - બપોરે ખેતરમાં / વિનોદ જોશી


ચાસ ચાસમાં ભરબપ્પોરે દઝાય પાની તડકાની
એ આકળવિકળ દોડી સેઢે ભરાઈ જઈ હંફાય...

ભતવારી નું ભાત બનીને ખેતરસેઢે બપોર ડોકું કાઢે,
દાતરડા ને દઈને પોરો અફાટ ઊભો તડકો ઓળ્યું વાઢે;

કરી બપોરો ઝલમલ છાંયો ડાળડાળથી લપસી પડતા
સૂર્ય કિરણને ઓઢી કાગાનીદરમાં લંબાય...

હરણાં થઈને ગામ ભણી નજરોની તરસ્યું કેડી ઉપર દોડે,
મૃગજળના બેફામ છલોછલ દરિયા ફંગોળાઈ ક્ષિતિજને ફોડે;

સૂરજના ઉચ્છવાસ ઊગી જઈ આડેધડ ચોપાસ,
ઘાસમાં એકસામટાં વઢાઈ જઈને પૂળામાં બંધાય...


0 comments


Leave comment