77 - બટકણી પળે / વિનોદ જોશી


કુંવારી ને કાચી બટકણી પળે , હા, બટકણી
પળે, ના સાચ્ચે તો પળ નહિ પળાર્ધે, કમળની
ચૂંટી દાંડી ચૂમી છલછલ હસી પંખુડી ઊડી
કતારો હંસીની ધવલ, નભ કેવું ગલીપચી
થતાં સંકોડાયું !જળ થરક્યું એ બિંબ પડતાં.
તરંગો સોનેરી અટકળ વિખેરી ચૂપ, ખસે
હવાનું આછું રેશમી વસન, દેખાય નમણું
નિશા ખંખેરી આળસ મરડતું એક શમણું.

હવે સામે તું, કેશ ઘન મૂકી છુટ્ટા ફરકતા
ઊભેલી, આંખોમાં મદિલ કજરો , કંપ અધરે,
ઝરે આછું આછું સ્મિત શરમઘેલું, ધડકતું
દીસે ભોળું ભોળું ઉર, મખમલી છાક નીતરે.

ઘસું,ખેંચું, ભીડું, કલરવ કુંવારો ચસચસું,
લઉં એવી સાંધી પળ બટકણી, નસનસ શ્વસું !


0 comments


Leave comment