62 - દુકાળ / વિનોદ જોશી


ડગમગ ઊભાં આંસુડાં ઊભાં પાંપણે
પૂછે આંખ્યુને પૂછી દડતાં જાય
આવ્યા રે દા’ડા દોહ્યલા.

શાને કોરાંમોરાં તે શમણાં સૂકવ્યાં
શાને ટાંગી નજરુંને ખીલે હાય
આવ્યા રે દા’ડા દોહ્યલા.

રે રે ! પ્રથમીને પેટે પ્રગટ્યા પાળિયા
ફળફળ સિંદુરિયા ભાલોડા વીંઝાય
આવ્યા રે દા’ડા દોહ્યલા.

પાપી પડછાયા વેચી ભરવા પેટડાં
અડખેપડખે લેવી ને દેવી લ્હાય
આવ્યા રે દા’ડા દોહ્યલા.

અંગે રેશમ સરીખાં રુંવાં ઓગળે
જોને, ખાંપણ ઓઢાડી જમડા જાય
આવ્યા રે દા’ડા દોહ્યલા.

ખાલી ખોબા ઓવારી અંજળ આથમે
પડતર પીડા પહેરીને વ્હાણાં વાય
આવ્યા રે દા’ડા દોહ્યલા.

ટીપું તોડી મરતાનાં ટોયાં મુખડાં
જીવડો ટળવળતી કાયામાં કરમાય
આવ્યા રે દા’ડા દોહ્યલા.

કકળે કલરવ ગોઝારા સુક્કા રાનમાં
વાયુ કદરૂપા વાવડના વીંઝાય
આવ્યા રે દા’ડા દોહ્યલા.


0 comments


Leave comment