51 - લીમડાની ડાળ / વિનોદ જોશી


લીમડાની ડાળ હાર્યે બાંધેલો હીંચકો
આમ જાય તેમ જાય એક પાંદ ખરી જાય...

સગપણનો કેવો વિસ્તાર ! ઠેસ ભોંય માથે મારું
ને પાંદડાઓ અંકાશે હળુહળુ ડોલે,
હૈયાની આરસીમાં ટાઢાછમ શેરડાઓ લપસે
લજ્જાળ કોઈ ચહેરાનું મૌન કેવું બોલે !

હિલ્લોળે કોણ બેઉ આંખોમાં ? એક એક શ્વાસ
કોઈ હોવાનો અણસારો કરી જાય...

એમનેમ જ્યાંનું ત્યાં રહેવું ને લાગે કે આપણે તો
આલ્લે .... લે, આમતેમ કેટલુંયે ઝૂલ્યા !
વિસ્તરતું જાય પાન સોંસરવું ઝાડ અને આપણે તો
ડાળીઓને બાથ ભરી જીવવું યે ભૂલ્યા !

આખ્ખું વર્તુળ થાય પૂરું એ પહેલાં તો
કોઈનામાં વળગેલું મન પાછું ફરી જાય...


0 comments


Leave comment