16 - અમથો ઊડીને આવ્યો / વિનોદ જોશી


અમથો ઊડીને આવ્યો
આવ્યો ઊડી ધબકારો સૂના શે’ર માં...
આવી મધરાતે મેલ્યો
મેલ્યો ઝબકારો ખરબચડા ખંડેરમાં...

ઊડી પડતર ઝરૂખે
આછી ડમરી અણધારી,
કાળી કઠ્ઠણ કાયામાં
ફૂટી કુંપળની કયારી;

લીલાં શમણાં રે ડંખ્યા
ભીનાં લથપથ ભીંજાણાં ઝામણ ઝેરમાં...

તૂટ્યાં ઝાકળનાં ટીપાં
સૂરજ સાગમટે છીપ્યા,
ઓઝલ અંધારાં ખોદી
ઉપર અજવાળાં લીપ્યા;

ખૂલ્યા ખખભળતા ખોબા
ઝૂલ્યા લહલહ રુંવાડા લીલાલ્હેરમાં...


0 comments


Leave comment