91 - પત્ર / વિનોદ જોશી


અમે વળીને જોયું ને તમે વળ્યાં વળાંક,
ગલીનો હોય કે પછી નજરનો હોય વાંક;

સુગંધની બજારમાં સોપો પડી ગયો,
તમે જ કેશ મોકળા કર્યા હશે જરાક;

દમામ આમ હાથવગો હાથથી ગયો,
છકેલ હાથ ચીંથરાં સમો સડેલ રાંક;

સમસ્ત ઝાટકાઓ નપુંસક ઠર્યા પછી,
પડ્યો છે ગોટમોટ ઉંબરા વચાળ થાક;

કલમના રાજપાટ પણ થયા તુરંત ડૂલ,
ઉદાસ પત્ર પર ફરે હવે બિમાર ટાંક.


0 comments


Leave comment