89 - હે અક્ષરસરકાર / વિનોદ જોશી


વિનિયો ફતન દિવાળિયો હે અક્ષરસરકાર !
મા થાશો ખુવાર એનાં વંઠ્યાં વેરણ આંગળાં.

આ ધીંગાણે ભલભલા દરિયા બઠ્ઠા થાય,
રણશિંગા ફૂંકાય કાગળ ઉપર કારમા.

કૂણાંમાખણ ટેરવાં વાઢે અક્ષરઝાણ,
હે ભઈલા ભયભીત ! સાજાનરવા સંચરો.

પાંસળિયુંમાં સંઘરી કોમળ કન્યા એક,
લઈને બરછટ શ્વાસ એંઠી કીધી એકલે.

અક્કલમઠ્ઠો આદમી સઘળા ગુના માફ,
નકટા નરદમ હાથ ઘોંચપરોણે પાધરા.

વિમલી જેવી વાતમાં નીંગઠ વાળે ગાંઠ,
અજવાળું ઝોકાર રુંવે રુંવે તતગતગે.

લશ્કર કીધાં સાબદાં ઝીંક્યા વજ્જર હાથ,
ખાંગા થઈ મોઝાર વળતાં વેરી ધસમસે.

પેન ભરીને ઊતરે સૂસવાટા બેફામ,
ઘેરે અંતરિયાળ ગઢ-કાગળના કાંગરા.

આ હડદોલો કારમો હચમચ અક્ષર ડૂલ,
ફાટ્યાં રે સૂમસામ બખ્તર ચીરી ટેરવાં.


0 comments


Leave comment