44 - પડખામાં તારું સંભારણું / વિનોદ જોશી


ગોખલામાં દીવાનો આછો અજવાસ
અને પડખામાં તારું સંભારણું...

કાગળની ભીંત જેવું અડખેપડખે ને કોઈ
ઓચિંતું મારે છે ફૂંક,
અંધારે રેબઝેબ રઘવાયા હાથ બેઉ
શોધે છે હુંફાળું સુખ;

હળવેથી રોમ રોમ રસ્તાઓ ફૂટે
કે અણધાર્યું બંધ થાય બારણું...

તારા બે હોઠ જેમ શરમાતા ઢોલિયામાં
ધીમેથી લંબાતી રાત,
દરિયાના ફીણ જેમ પથરાતા શ્વાસ કરે
હળવેથી ભીંસાતી વાત;

કાચો અંધાર હવે લીંપાતો આંખોમાં
ઝૂલે છે શમણાનું પારણું...


0 comments


Leave comment