17 - ચણોઠડી / વિનોદ જોશી


ચણોઠડીનાં લીલાંપીળાં પાંદડાં
પાંદડે પાંદડે મોતી સવ્વા લાખનાં
ચણોઠડી...

બાઈજીનો બચકો ડૂબતો... ચણોઠડી
પરણ્યે માર્યો ધૂબકો... ચણોઠડી
અમને આવ્યો ઊબકો રે મૂઈ ચણોઠડી
ચણોઠડીનાં લીલાપીળાં પાંદડાં...

ઘરવખરીમાં ઘૂઘરો... ચણોઠડી
મોંભર્યો માપ્યો ઉંબરો... ચણોઠડી
અમને લાગ્યો ડુંગરો રે મૂઈ ચણોઠડી
ચણોઠડીનાં લીલાપીળાં પાંદડાં...

ભામણ પંડ્યે પાતળો... ચણોઠડી
ખંભે ખડિયો ફાટલો... ચણોઠડી
હું શણગારું ખાટલો રે મૂઈ ચણોઠડી
ચણોઠડીનાં લીલાપીળાં પાંદડાં...

તડકેછાંયે ઝુંપડાં... ચણોઠડી
અવળાંસવળાં સૂપડાં... ચણોઠડી
ઓરું ખાલી બૂકડાં રે મૂઈ ચણોઠડી
ચણોઠડીનાં લીલાપીળાં પાંદડાં...


0 comments


Leave comment