61 - રાજગરો રાતો ને / વિનોદ જોશી


રાજગરો રાતોને લીલી લવિંગડી
કેસરિયો આવીને દરિયે ઊભા રિયા...

દરિયા હાર્યે સોળ વરસથી બારે માર્યા વેર,
લઈ લીધી લીંબોળી એમાં વરત્યો કાળો કેર;
રતુંબડી આંખ્યું ને અસ્સલ જોબન ભીને વાન,
મુઠ્ઠીમાં ઉભરણાં એણે ધસમસતા તોફાન.

તારી તે... બોલીને ભીંસ્યા દાંત જો,
મૂછો મરડી બબ્બે બખ્તર ચડાવિયાં...

કેસરિયે ઉપ્પાડી ઝિંક્યા સણસણતાં બે તીર,
મોજેમોજું ભચડકભૂક્કો કટકેકટકાં નીર;
મુઠ્ઠી દરિયો વેરણછેરણ વીંખ્યો ડાબે હાથ,
રઘવાયા કાંઠાને ભરચક ભીડી ધીંગી બાથ.

પરસેવે રેલાણો દરિયો બ્હાવરો
ધ્રહધ્રહ મોઢે ફીણના ફોહા કઢાવિયા...

વજ્જર હાથે ચરરર ચીરી છાતી જળબંબોળ,
હાથ કરી લીંબોળી માઝમ કર્યા પછી અંઘોળ;
પદડુક ઘોડે બેઠા મૂછે લીંબુ છે અણમોલ
કેસરિયો તો નગર પધાર્યા વાગે પડઘમ ઢોલ.

જમણે હાથે (ખમ્મા !) ખોડી તળાવડી,
તળાવડીને કાંઠે વીરડા ગળાવિયા...

વીરડે વીરડે લીંબોળી બોળીને અમરત કીધાં,
ખોબો લઈને હોઠ સુધી જાવાના મારગ દીધા;
ચોક વચાળે દરિયાવટ લટકાવી ઊંધે કાંધ,
જુગજૂની આ અમર વાતના સાક્ષી સૂરજચાંદ.

કેસરિયો જીત્યા રે દરિયો દોહ્યલો,
જીત્યા રે લીંબોળી-બ્રાહ્મણ જમાડિયા...


(કવિ શ્રી જયન્ત પાઠકને અર્પણ)


0 comments


Leave comment