79 - બાળપણની એક સ્મૃતિ / વિનોદ જોશી


પછી બેની ‘ડિક્કો’ કરી, ચીડવીને તું ઘડીઘડી
જતી રહેતી આઘ્ઘે, હું સમસમી બેઠો જ રહું, ને
તને કહેવા જાઉં કશુંક, પણ ઓષ્ટો ન ઉઘડે-
ન જાણું શાથી ! એ વખત કંઈનું કૈં થઈ જતું
મને, ગુસ્સો ખોટો સળવળી જતો, ત્યાં તું ફરીથી
ખણી ચૂંટી વેગે સરી જતી, હું જોતો જ રહું; એ
નવું પ્હેરેલું તે ઘૂંટણ ઝૂલતું ફ્રોક, હમણાં
પરાણે લીધેલાં કટકટ થતાં સેન્ડલ, અને
થઈ ઊંડું ઊંડું મૃદુ ફરકતાં ઝુલ્ફ નમણાં !
વળી પાછી ‘ગાંડો’ કહી તું હસી, દોડી જતી, મને
ચડે ગુસ્સો ખાસ્સો, પછી હું ઊઠતો, પાછળ પડું
તને ઝાલી પાડું, તું હસી પડી સામેથી જ મને
‘અરે ભૈલો મારો !’ કહી વળગી જાતી, પછી ત્યહીં
ફરી શી વાત્સલ્યે અધિક દ્રઢ ગાંઠો વળી જતી !


0 comments


Leave comment