56 - કોઈ જઈને કે’જો / વિનોદ જોશી


બોરડિયુંનાં બોરાં વનમાં જોઈને લાગઠ કાચાં,
કોઈ જઈને કે’જો, શબરી !રામ ગયાં છે પાછાં...

લીમડા પરની લીંબોળીનું ટપાક દઈને
માથા ઉપર પડવું એનો લાગ્યો હૈયે ભાર,
બાવળ ઉપર ઊગ્યા ફૂલનું જુઠ્ઠું જુઠ્ઠું
હસવું એને કેમ કરીને કહીએ પડી સવાર;

કાંટા પરથી ખરી પડ્યાં ઝાકળને ફૂટી વાચા,
કોઈ જઈને કે’જો, શબરી રામ ફરી ગયાં છે પાછા,,,

હજી અમારે હથેળિયુંની રેખાઓને ઊંચકી
ઊંચકી સેતુ બાંધી દરિયો કરવો પાર,
કેમ કરીને સામે ચાલી આંગળિયુંના સુરજ
એંઠા કરીએ ? એવા નથી અમે તૈયાર;

ઝરણાં હેઠે કાળમીંઢિયા કળાય આછાં આછા
કોઈ જઈને કે’જો, શબરી !રામ ગયાં છે પાછા...


0 comments


Leave comment