81 - પ્રિયતમા સાથે હસ્તધૂનન વેળા / વિનોદ જોશી


ને આપણી ઉભયની મળી હસ્તરેખા –
ઓ, મેં અસંભવિત સ્પંદનને ઘુંટાતા
માણ્યાં જરાક ભરી કંપ હથેળીઓના
પોલાણમાં, ઊગી ગયાં ક્ષણ એકમાં તો
રોમાંચતૃણ, ગઈ છાઈ બિછાત લીલે –
રી, ટેરવાં હળુ હળુ ધબકે સમાવી
આખ્ખાંય ચિત્ત તણી સામટી સ્વસ્થતા, ને
આંખો જપે ક્ષણ ચિરંતન વાંછનાની...

હું સ્તબ્ધ, ચિત્ત સ્થિર, વિશ્વ બધુંય મૂંગું
કેવું ! રહ્યાં ઘૂઘવી સાત સમંદરોનાં
મોજાં પ્રચંડ – હૃદયે , અનિમેષ નેત્રે
વિસ્તીર્ણ થાય ક્ષણ કલ્પ થઈ... થઈ ત્યાં,
ધીમે ધીમે સળવળી વિખૂટાં પડ્યાં, લો,
સાયુજ્યની પળ તણાં થઈ ફાડિયાં બે –


0 comments


Leave comment