68 - એક અનુભૂતિ – કાવ્ય સર્જનની / વિનોદ જોશી


મૃદંગ ધ્રબધ્રબ્ધ્રિબાંગ્ધનનધન્ધનાધન્ન – ચૂપ્
અચાનક,હવા બધી સડક, સ્તબ્ધ શાં ટેરવાં
ઝુક્યું જગગન ત્રાડ દૈ અધધ ભીંત આઘી ખસી
કરાલ, જળ અંધકાર ખખડી ખબક્ ખાબક્યો.
ધડોધડ પડ્યાં ભફાંગ્ ઉભય નેત્રથી સ્વપ્ન, બે
ઘડી તરફડ્યાં, થયા ખડક ફૂરચેફૂરચા.
ધબાક્ કલમ ત્રાટકી હણહણ્યા જ શાં અક્ષરો,
કશું ખળભળ્યું (અવાક્ !) કડડભૂસ્ કડાકો અને
પ્રપાતવશ દ્રશ્ય ધૂમકડડ ભોંય ભેગા થયાં -
(ચડ્યાં જ હડફેટમાં બરડ પોપચાં વજ્ર શા )
દિશા હચમચી, અચાનક જ ચીસ કો કારમી
સટાક્ કરતી વેતરી ગઈ જ વાયુનું વસ્ત્ર ત્યાં !
બધો જ રઘવાટ શૂન્ય થઈ શબ્દમાં પાંગર્યો,
તરંગ ઊંચકી ખભે તટ સ્વયં હવે લાંગર્યો.


0 comments


Leave comment