57 - ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્ / વિનોદ જોશી


ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ઝીંગોરા હપ્પ ઝીંગોરા હપ્

કાંખમાં ગાગર મેલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ઉગમણી શેરીએ ડેલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
પરદેશી બેઠો પ્હેલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્

કોણી જાણે કેવડો, પેડું મઘમઘ થાય,
ગાગર છલકી જાય મલકે આંખ્યે માછલી;

રુમઝુમ રાણી સંચર્યા શેરી ઝાકઝમાળ
ડેલે દીધો સાદ ટહુકે ભાંગ્યા ટોડલા;

હ્ભળક ઉભા થઇ ગિયા પરદેશી સુજાણ,
ખેંચ્યાં તીરકમાન ઊભી શેરી થરથરે;

શેરડીનો સાંઠો પોલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
હઈડેથી નાઠો હોલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
કાળજાની ગાંઠો ખોલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્

ખોલી બે ફૂલપાંખડી વળતી પળ ભિડાય,
વણબોલાયાં વેણ હાંફે હળવે છાતીએ.

આંખ્યે સોણાં ઓગળી ડબડબ હાલ્યાં જાય,
પરદેશી મૂંઝાય ઝટ જઈ ઝાલે બાવડું.

રગ રગ ઝાલર રણઝણે નખ નખ દીવા થાય,
કુંજલડી સંતાય ધસમસ ધીંગા વાદળે.

ઓચિંતી વીજળી તૂટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
દરિયાની આબરૂ લૂંટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ટેરવાંની ઝંખના ખૂટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
કમ્મળની દાંડલી ચૂંટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
બ્રહ્માની પાકી ડૂંટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
એમાંથી વારતા ફૂટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્

ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્


0 comments


Leave comment