40 - ડાળી તૂટી ને… / વિનોદ જોશી


ડાળ તૂટીને ઝાડ એક રોયું !
પછી કૂંપળ ફૂટી ને પછી પાંદડું થયું ને પછી
પાંદડે હસીને એને જોયું...

જોત રે જોતામાં ઝીણો છાંયડો ખર્યો ને
એણે માંડી કલરવની ભીની વાતું,
પરબારું પાલખીમાં હોંકારા દઈને આભ
અડખેપડખેથી સરી જાતું;

ઘડી તડકાને ઓઢી ઘડી પડછાયે પોઢી પછી
ખળખળતું ભાન એણે ખોયું !
ડાળ તૂટીને ઝાડ એક રોયું...

એકલી હવા ને જરા ઊભી રાખીને એનું
સરનામું ખાનગીમાં પૂછ્યું,
શરમાતું એક પાંદ પડખું ફર્યું ને એણે
ઝાકળનાં ઝૂમખાંને લૂછ્યું.

જરી ભણકારા વીંટયા જરી પગરવને લીંપ્યા પછી
ટહુકે ટહુકેથી એને ટોયું !
ડાળ તૂટી ને ઝાડ એક રોયું...


0 comments


Leave comment