52 - કે ભૂલચૂક લેવી દેવી / વિનોદ જોશી


કે ભૂલચૂક લેવી દેવી !
અમથું કંઈ આમ હોય તમથું કંઈ તેમ હોય
સરવાળે વાત હોય જેવી તેવી.
કે ભૂલચૂક લેવી દેવી.

દરિયામાં ઓળઘોળ ટીપું ને ટીપાંમાં
ઓળઘોળ દરિયાનો દેશ,
આપણો તો આપણને આપણાથી છોડીને
આપણને શોધવાનો વેશ;

દરિયો ઢંકાય નહીં, ટીપું દેખાય નહીં
ટીપું - દરિયાની વાત એવી, કેવી ?
કે ભૂલચૂક લેવી દેવી.

અબરખની કોટડીમાં અંધારાં ઘોર
એક દીવો બેઠેલો ચૂપચાપ,
અલ્લડ દીવાસળીમાં અજવાળાં બંધ
અને વિસ્તરતું બાકસનું માપ;

અંદરના ભેદ અને ઉપરની કેદ, પછી
સમજણની જાત હોય કેવી ? એવી.
કે ભૂલચૂક લેવી દેવી.


0 comments


Leave comment