73 - નાગરિક / વિનોદ જોશી


બખડજંતર યંત્ર પ્રચૂર ખટ્ -
ખટક રક્ત વિષે ફરતું સતત્
ખખડતું પ્રતિઘોષિત શ્વાસને
હવડ ફૂગ વળેલ સુગાળવી.

કણસતાં અભિશાપિત ભીતરે
શું ય પડ્યાં શમણાં વળી ટૂંટિયું
દ્રગ અવાવરુ, કેવળ ચીપડે
સબડતી ક્ષણ રંગીન દ્રશ્યની !

ધબકવું જ મુકી સહું શ્વાસ આ
વિતથ શાં પડખાં ઘસતા, જતા
હચમચી સ્થિર માંડ કરેલ આ
અમુક માપ તણાં નિજ માંચડા !

સમય કોઈ ખચાક હુલાવતું,
નગર ત્યાં જ અહીં તહીં ભાગતું...


0 comments


Leave comment