41 - પાતલડી રે પૂતલડી રે / વિનોદ જોશી


પાતલડી રે પૂતલડી રે
હવે પાંચ પકવાન તમે રાંધો
કે આપણાં અંજળ થિયાં રે...

પ્હેલ્લો વરસાદ એક ઊગ્યો ને આથમ્યો,
સૂરજ ને ચાંદલો વરસ્યા;
દરિયા રેલ્યા ને આભ તરસ્યા,
પાતલડી રે પૂતલડી રે
હવે બારે મેહુલિયાને બાંધો
કે આપણાં અંજળ થિયાં રે...

નીંદરડી રૂમઝૂમ ઢાળે રે ઢોલિયો,
આળસ મરડીને રાત જાગે;
શરણાયું આરપાર વાગે
હવે સોળે શમણાંને તમે સાંધો
કે આપણાં અંજળ થિયાં...

ઓશીકે આરદા ને પાંગતમાં પ્રીતડી,
ભીતરમાં લેણદેણ કીધી;
ઝાઝી ઢોળી ને થોડી પીધી,
પાતલડી રે પૂતલડી રે
ભલે વાતુંવાતુંમાં પડે વાંધો
કે આપણાં અંજળ થિયાં રે...


0 comments


Leave comment