18 - કાગળ મારો માણીગર ને / વિનોદ જોશી


કાગળ મારો માણીગર ને દેજો રે કબૂતરી
અમે આરસના ઓટલિયે –
અમે આરસના ઓટલિયે
કે’જો માંડી રે નવકૂકરી...

એણે પતંગિયાં કાંઈ પ્હેર્યા,
એણે ફાગણનાં ફૂલ વેર્યા;
અમને છાનાછપના ઘેર્યા,
અમે ટાઢા છાયાં ખેર્યા.

એના અણિયાળા અણસારે –
એના અણિયાળા અણસારે
રણઝણ રણકે રાતે ઘૂઘરી...

અમે અટકળમાં ઘર કીધાં,
નિંદરને તાળાં દીધાં;
એકલપંડે પડખે લીધા,
પરવાળે પાણી પીધાં.

એક સોનેરી સરનામે –
એક સોનેરી સરનામે
રે વણપૂછ્યા જાજો ઊતરી...


0 comments


Leave comment