29 - એ તો સમજ્યા / વિનોદ જોશી


તમે કીધું કે ‘હાંઉ’, એ તો સમજ્યા
પણ આજના ઉજાગરાને સમજો તો સારું.

પૂછો કે કેમ અમે અંધારે ન્હાયા
ને પૂછો કે કેમ ગયા ડૂબી
તળિયે પડેલ એક રૂમઝૂમ પરવાળું
દરિયાની એટલી જ ખૂબી;

તમે પૂછ્યું કે ‘એમ ?’ એ તો સમજ્યા
પણ કેમ તમે આકરા એ સમજો તો સારું.

કહેશો તો ગોખલામાં દીવો પેટાવશું
ને કહેશો તો છાતીમાં ડૂમો,
ઓશીકે એકવાર નીંદર મેલીને જરા
મખમલિયા મોરલાને ચૂમો;

તમે બોલ્યા કે ‘જાવ ‘, એ તો સમજ્યા
પણ સૂનમૂન ખાખરાને સમજો તો સારું.


0 comments


Leave comment