20 - એણે કાંટો કાઢીને / વિનોદ જોશી


એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ...

પછી ઢોલિયે જરાક પડી આડી તો
અરે! અરે! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીધી તો,
ફર્ર દઈ ઊડી પતંગિયાંની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ...

હવે દીવો ઠારું ? કે પછી દઈ દઉં કમાડ ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી ,
આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી !

હું તો પડછાયો પાથરીને કરતી’તી મૂલ,
કોઈ મારામાં ઓગળીને પરબારું ડૂલ...


0 comments


Leave comment