66 - કીડીના હોંકારે / વિનોદ જોશી


સાંભળે ? ન સાંભળે આ શ્હેરનાં જ લોક
એક હાથીના આવવાથી ઘાંઘા,
ચંપલની ખીલીનો કહેવાતો વાંક
આમ અસ્સલથી પગલાંઓ ખાંગા;

એક બે નજીવા બનાવ બન્યા કાલે,
વરતાયું કીડીના હોંકારે હાલે...

કેવાં આ લોક ? એને આફત કે જ્યાફત
કે રેતી કે ખેતી પરબારાં,
પડછાયો ચૂંથીને ગોતી લે જાત, પછી
પથ્થરમાં જોતાં પરવાળાં;

એમને અરીસાઓ એમનેમ ઝાલે,
વરતાયું કીડીના હોંકારે હાલે...


0 comments


Leave comment