84 - નાક / વિનોદ જોશી


તારો હિસાબ ચૂકતે કરું નાક ક્યારે ?
ભૂલો પડ્યો અનુસરી ઊભી દાંડીને હું
સામ્રાજ્ય તારું (અડીખમ્) ધરબી દઈને
ઉચ્છવાસમાં જ કરું દેહનિકાલ તારો.
તારો નિકાલ કરું કે વટ જાય મારો
હે છીંકધારી ! શુકચંચુંવિહારી ! પાક્કા
છો રાજકારણી તમે વીસમી સદીના
છે યાદ પેલું બિસતંતુ થકી મઢેલું
નાજુક ફૂલ ? (હસતું ફૂલટેરવામાં)
તેં છીનવી ચીરી સુગંધ, સુગંધનાં એ
બે ફાડિયાં તરફડે હજી ફેફસામાં !
બે આંખ ઝૂરતી પરસ્પરના વિજોગે !
તેં વાવટો વિજયનો વચમાં રોપ્યો,
તારો હિસાબ ચૂકતે કરું નાક ક્યારે ?


0 comments


Leave comment