38 - રાણી વિમલદેનું ગીત / વિનોદ જોશી


લીલાં પતંગિયાં એવાં નડ્યાં રે વળાંકમાં,
રાણી વિમલદે છેટાં રે જરાકમાં...

ફૂલ જેમ ડમરીઓ ખીલી કે આમતેમ,
પગલાંની મ્હેક બધે ઊડી,
ઓચિંતાં પૂર એક શમણાંનાં આવ્યાં ને
આંખોની હોડલીઓ બૂડી;

બારે અંધારિયાં ટોળે વળ્યાં એક રાતમાં
રાણી વિમલદે છેટાં રે જરાકમાં...

ઝાંઝરની વાયકાએ દોડયાં ને મારગમાં
રૂમઝૂમ ધબકારા ખોયા,
એવા ઘેઘૂર થાક આસપાસ ઊગ્યા કે
આરપાર જંગલને જોયાં;

છાતી સોંસરવા ખીલા જડ્યા સે’જ વાંકમાં,
રાણી વિમલદે છેટાં રે જરાકમાં...


0 comments


Leave comment