82 - આંખ / વિનોદ જોશી


આ આંખો નીંદર ચરી ચરી રાત આખી, સવારે
વાગોળી લિજ્જતથી ચીપડાં સ્ટેજ ગંદુ કરે છે.
આ આંખોમાં લખલૂટ કરી ખર્ચ ‘સેટિંગ્ઝ’ ઊભા
કીધેલા : ધોધ, ભડભડતી આગ, ઠંડો હિમાળો,
ને વાસંતી પવન, ઝરણાં, લક્ષ સપોલિયાંઓ.
સંમાજર્યું ખંત થકી સધળું, અંક પ્હેલો શરૂ : ને
લીધો જેવો ઊંચકી પડદો પાતળો પોપચાંનો
દ્રશ્યો ઠાલાં તરત ભૂસકો મારીને જાય નાઠાં !
ડોળા શો વિદૂષક નીકળે શોધમાં આમતેમ
નેપથ્યે શી ખળખળ મચે, કોક, પ્રેક્ષાલયેથી
મુઠ્ઠી વાળી બસ, કૂદી પડે છૂંદી નાખે મંચ
સ્વપ્નો ચૂરા થઈ, થઈ જતાં ખાંભીઓ ઠેરઠેર;
ભાંગી ભુક્કો કણ કણ થતું સ્ટેજ, પત્રો ફરાર,
ક્યાંયે શોધ્યા જડી ન શકતો રંગીલો સૂત્રધાર.


0 comments


Leave comment