49 - એમ / વિનોદ જોશી


મારગ ચીંધ્યાનું પાપા લાગે ને આંગળીમાં
માણસ સપડાઈ જાય એમ...
પછી કુંજડીની ડોક ઢળી ગઈ !

આંખો ડરપોક, બંધ ઝાંપે પડછાયા છતાં
દ્રશ્યો દરવાન જેમ ઊંઘે,
આરપાર ડૂમો પથરાઈ જાય કાળઝાળ
પાંપણમાં હીબકાં ઝળૂંબે;

ઉજ્જડ ભેંકાર ચીસ ભેખડથી લપસીને
જળમાં ભરખાઈ જાય એમ...
પછી કુંજડીની ડોક ઢળી ગઈ !

પાણી પર પથ્થર રેડો કે થાય વર્તુળો
વર્તુળો ઓચિંતાં બટકે,
ઝૂમ... દઈ વિંઝાતા ખાલીખમ પડઘાના
કોણ અહીં મડદાઓ પટકે ?

કાગળ પર મારફાડ શબ્દો ખૂંખાર જંગ
ખેલી ખડકાઈ જાય એમ...
પછી કુંજડીની ડોક ઢળી ગઈ !


0 comments


Leave comment