8 - મૂંઝારો / કિરીટ દુધાત


પાંચ વાગ્ય સુધી તો બધુંય ઠીકઠીક હતું. જલારામ બાપાને ઈયાદ કરીને કીધું કે આ બે-ત્રણ કલાક નીકળી જાય તો સાંજે હિંમત દુકાન બંધ કરે પછી ચાર દીવા કરીશ. ત્યાં દસ મિનિટમાં જ વડકું કરી લીધું. એક દી’ તો ખાલી જાય. સગો કાકો છું ઈ વાત જાવા દેઈ તોય શરમ ભરવી જોઈએ કે નૈં ? વશરામ ભગત ઠીક કહેતો’તો કે આ હિંમત સગાં બાપાને પાણી પાઈને મૂતર જોખી લે એવો છે. ઈ હિસાબે તો તું ઘણોય આધો થા, તું તો સગો કાકો છો એટલું જ.’ કુતરાને હાડ્યહાડ્ય કરે ઈ રીત્યે બે-ત્રણ વાર ધુત્તકારે નૈં ત્યાં સુધી હખ નો વળે. વાતેય પાછી કેવી હતી ? ખીમલાની છોડી રૂપિયાનું તેલ લેવા આવેલી પણ હિંમતો હિસાબમાંથી માથું ઊચું નો’તો કરતો. છોડી ચાર-પાંચ વાર બોલી, ‘શેઠ, વાર કાંવ કરો ?’ પણ સાંભળે જ નૈં ને. મારાથી નો રે’વાણું, ‘હિંમત, પે’લાં આ છોડીને પળી તેલ આપી દે ને’ એટલી વાતમાં વડકું. પાછો શું બોલ્યો, ‘મારા કાકાને બાયુંની બોવ દયા આવે, આ તો વાંઢા રઈ ગ્યા નૈતર કાકીને કેવાંય અછોવાનાં કરત.’ અછોવાનાં. કાંઈ તારી જેમ હોય ? પવણીને આવ્યા પછી હરામ છે ઘરવાલીને બે મૈના આધી બેહવા દીધી હોય તો. ડેફરું ચડેલું ને ચડેલું. વેજાની લંગાર લગાડી દીધી. પછી એક વાર ભાઈએ બરાબર્યનો લીધો. સગા બાપે દીકરાને આવી વાતમાં ઠપકો દેવો પડે, કેવું કે’વાય ઈ તો વિચાર્ય દીકરા મારા.

આમ તો આખી રાત ઉંદર સંતામણી દા રમે એવી આ દુકાનમાંય આપડને નિરાંતે ઊંધ આવી જાય છે. પણ જે દી’ હિંમતો પવણવાની વાત સંભારીને આડું બોલી લે ઈ રાતે જાણ્યે મહાણમાં સૂતા હોઈ એવું લાગે. નહિતર ભાઈનામાં કોક રજવાડાના દીવાન થવા જેટલી હુશ્યારી હતી તો’ ય પોતાના જાતાં મારી આવી દશા થાહે એનો અણહારેય એમને નો ર્યો. ગામમાં બધાય મારો વાંક કાઢે છે, ‘તમને જ તમારા ભત્રીજાની ગુલામી ગમે છે. આ ઘડીએ નીકળી જાવ એની દુકાન બારા, ત્રીજા દિવસે ઘરઘાવી દઈએ દઈએ છઈએ કે નૈં ?’ પણ નીકળ્યા પછી શું ? કાંઈ બીડીયું વાળીને થોડું ઘર ચલાવાય છે ? આંયા ધોળા દોરા અને લીલા દોરા વના બીજું આવડે છે ય શું ? હવે આ ઉંમરે કાંય થોડું દાડિયે જવાય છે ? બધાયને કે’તા ફરવું કે આ હિંમતો મારા ભાગના પૈસા ગપચાવી ગ્યો છે ? ત્રણેય ભાઈ જુદા થ્યા તંઈ મોટા ભાઈએ મારા ભાગના પૈસા મારા હાથમાં મૂકેલા. મેં કીધું કે જુદો તો નાનો થાય છે. મારા પૈસા તમારે ત્યાં થાપણ્ય. આંયા વેપાર-ધંધામાં ખબર્ય પડતી હોત તો શું જોઈ છી ? કયો તો સાંજે બસ્સો બીડીયું વધારે વાળી દેઈ. બીજી તે શું માથાકૂટ. ભાઈને આપડા ઉપર ભાવનાયે ખરી. એનું ગામતરું સાવ અણધાર્યું. આ હિંમતો સાવ કપાતર પાક્યો. ‘આપીશ’, ‘આપીશ’ કરીને આખી જિંદગી ધોળા દોરા અને લીલા દોરાની બીડીયું વળાવ્યે રાખી. પાછો ઝેરીલો એવો ને કે એક વાર વશરામ ભગતે સંબંધ જોડાવેલો ઈ ઘોડાઘોડી કરાવીને ફોક કરાવ્યે પાર કર્યો.

ભાઈ પછી આપડા ઉપર્ય કોઈની ખાસ લાગણી હોય તો ઈ ભગતની. એક વાર રાજકોટ બાજુ ખરખરે ગ્યા હશે તે આપડી હાટુ એક રંડેવાળ બાય જોતાં આવ્યા. હિંમતાથી ખાનગી રાખીને આખી વાત ચલાવી. મેં ભગતને પેટછૂટી વાત કરી કે આપણી પાહે મૂડી દાખલ પાંચ-દસ રૂપિયાથી વધારે કાંઈ નો મળે, પણ વશરામ ભગત ભડ આદમી. એણે કીધું, ત્રણેક હજાર રૂપિયા હું કાઢી આપું, થાય તો પાછા આપજે. હિંમતથી નોખા થઇ જાવાનું ય નક્કી કર્યું. બીજી હાટડી કરી. છાનુમુના જઈને બાઈ પણ જોઈ આવ્યા. ચૂરમ્યું જમ્યા. વાત પાકી, મેં કીધું, ભગત, હવે આટલે આવ્યા છઈં તો વીરપુર જાતા આવીયે. ગ્યા. સાંજે ખીચડી-કઢી જમ્યા. ધરમશાળામાં બેઠા-બેઠા મોડી રાત્ય સુધી ગપ્પા માર્યા. વશરામ ભગતે વાંહામાં થપાટ મારીને કીધું, ‘તંઈ શેઠ તમને પરણાવ્યે પાર્ય કર્યા હો.’ મેં પગ ઉપર પગ ચડાવી પંજો હલાવતાં હલાવતાં કીધું, ઈશ્વરની ગત ન્યારી, ને એમ વાત ચાલતી’તી એમાં વશરામ ભગતે તાળી માગી, મેં આપી. અને હાથની રૂંવાટી ઉપર ધ્યાન ગ્યું. નજર ચોંટી રઈ. રૂંવાટીય ધોળી થવા મંડી. આભલામાં જોવાની ટેવ નથી રઈ પણ માથુંય ધોળું થઇ ગ્યું હશે. આટલાં વરહે આ મેલ પડ્યો. મને જેની સાથે પહેલું સગપણ થયેલું ઈ બાય પહેલી વાર યાદ આવી. ખુબમ ખુબ. સગપણ થ્યા પછી એક વરહમાં ગુજરી ગઈ. માંદગી શું હતી એય ખબર નથી. ભાય આટલા ડાયા અને એની ધારણા કોઈ વાતમાં ખોટી નો પડે. ઈ સત્તર વરહની ઉંમરે આપડે ભાઈને કીધેલું કે ‘માંદી છે તો હાલો ખબર કાઢી આવીએ.’ ભાઈ વેવારનું કારણ આગળ કરીને બોલ્યા, ‘નો જવાય !’ પછી તો બે મહિનામાં પાછી થઇ. જઈ આવ્યા હોત તો. ભાઈ પહેલી વાર ખોટા પડ્યા હોય એવું લાગ્યું. છેવટ મારે એકલાએ જઈ આવવું’તું. જમાઈ તો હતો જ ને, થોડા કાઢી મૂકવાના હતા ? નો ગમ્યું હોત તોય નશરમાં બનીને ગ્યા. કાંઈ થોડા ખાઈ જાવાના હતા ? બોવ ખોટું થ્યું. હવે સપનામાં આવે છે ઈ આ રંડેવાળ છે કે પે’લા ઘરના કે ઓલી કોળણ્ય ? નક્કી નથી થઇ એકાતું. ખાલી શરીર દેખાય. મોઢું દેખાય કે નોય દેખાય. પણ ઘેરે આવ્યા ત્યારે હિંમતાને ખબર પડી ગયેલી. આપડે ઘેર આવ્યા ને ઈ ઊપડ્યો તે જઈને સગપણ ફોક કરી આવ્યો. ઓલ્યાવને એવી ઊની ઊની ગાળ્યું દઈ આવ્યો કે બિચારા ઈય હબકી ગયેલા.

અને ઓલી કોળણ્ય ? કેવું પડે. જિંદગીમાં એના જેવી બહાદુર બાઈ નો ભાળી પણ લાગણીની વાત જ જુદી ને. નહિતર ક્યાં આપડી જ્ઞાતિ ને ક્યાં વજુભાઈ ? વાણિયાનું ઘર તો ય વજુભાઈના પાછા થ્યા પછી એના ઘેરથી સમરથ ભાભીને ભાઈ હાર્યે મન મળી ગયેલું તે આખા ગામના દેખતાં ભાઈને મળવા દુકાને નો આવતાં ? ચોરા પાસે થઇ, આખી બજાર વીંધીને અઠવાડિયે બે-વાર દુકાને આવવાનું અટલે આવવાનું. ભાઈ હાર્યે અડધો કલાક ગપ્પા મારી લે. ભાઈ પણ રાજાના પ્રધાનની જેમ બેઠા હોય. સમરથભાભી એટલે એક પગ ટેકવી એક પગ ટટ્ટાર રાખીને વાતું કરે, દેન છે કોઈની કે એમાં ડખલ કરે. એકવાર હિંમતે ત્રાજવું પછાડેલું. એને નો ગમતું આ બધુંય. ભાઈએ નજર નોંધીને કીધેલું, ‘આ ઉંમરે ય હિંમત, એક જ ધોલમાં લેંઘો પલળી રેહે હમજ્યો ?’ સમરથભાભીનો દીકરો ય માને નો કઈ એક્યો એટલે જઈને ચલાળા દવાખાનું કરી લીધું. ગામમાં કોઈની દે નહીં કે આડી-અવળી વાત કરે. ભાઈ અને સમરથભાભીની વાત ચાલે. હિંમતો ય આડો અવળો થઇ ગ્યો હોય. આપડે બાજુમાં બેઠા બેઠા બીડીયું વાળીએ. વાત-ચીત ઉપર મલકાતા જાઈ. આપડને એટલી છૂટ. હવે ભાઈ નો ર્યાં સમરથભાભીય એના છોકરાને પનારે પડ્યાં.

કોળણ્ય દુકાને કરિયાણું લેવા આવતી. ક્યારેક હિંમતાએ વડકુ કર્યું હોય એય ભાળેલું. આપડને એવો ખ્યાલ નૈં કે આપડા ઉપર મોહી છે. એક વાર બપોરે સીમમાં ખરચું ગયેલો ત્યાં છાણાં વીણતી’તી, કે’ય, ‘શેઠ, દુકાને સુઈ ર્યો છો ને રોટલે દખી થાવ છો તે કાંક્ય વ્યવસ્થા કરો. જાતી જિંદગીએ ભૂંડા હાલ થાહે.’ પછી તો તેલ કે ગોળ લેવા આવી હોય એકીટશે જોઈ રે. આંખમાં અમી નીતરે. પછીય બે-ત્રણ વાર સીમમાં ભેટો થયેલો. એકની એક વાત ઉખેળે. મેં કીધું, ‘કો’ક મળવું જોઈ ને.’ ‘હું તમારું ઘર માંડુ.’ પે’લી વાર તો સમજાણું નૈં. ઘરબારવાળી બાઈ. એનો કોળી માથા ભાર્યે. મેં પેટછૂટી વાત કરી દીધી, આપડાથી ૧૫-૨૦ રૂપિયાથી વધારે બીડી નો વળાય.

ઈ કૈં’ય, ‘ અરે હું તમને ગદરાવું. બોલો છે તૈયારી ?
‘તું કેમ કરી ગદરાવવાની ?’

‘અરે માણાવદરના જીનમાં મજૂરી કરીશ, તમે બેઠા બેઠા ખાજ્યો’ કાનમાં તમરા બોલી ગ્યાં. ધણીને મેલીને આવવા તૈયાર થઇ છે.
વળી ગદરાવવાની વાત કરે છે. દુકાને આવીને આમથી તેમ હિસાબ માંડ્યો. કોઈ રીતેય દિવસમાં વીસ રૂપિયાથી વધારે બીડી વાળવાનું નો બને. કોળણ્યનું બેઠાબેઠા ખાવું ઈ ય નો બને. જિંદગીમાં એક બાઈને આપડા ઉપર આટલી લાગણી બોવ વિચાર કર્યો. છેવટે ના કેવરાવી. એણે આટલું કર્યું ઈ ય ક્યાં ઓછું છે ? એ દિવસે પે’લી વાર વાઈ આવી. પછી તો એણેય નામું બીજી દુકાને ચાલુ કરાવી લીધું.

તે આ દુકાને બેઠા છંઈને બીડી વાળઈ છંઈ. આ તો ઠીક છે, ગામમાં આપડી બીડીના બંધાણી છે. સિગારેટ આપો તો ય આપડી બીડી પીવે તંઈ કોંટો ચડે. સવારથી સાંજ સુધી ચાંદરણાં ધીમે ધીમે ખસતાં જોયા કરવાનાં. બીડી વાળ્યા કરવાની. હિંમતાના વડકાં ખમ્યા કરવાના. આજ કોણ જાણે શું થાય છે કે એકાદ વાર જ વડકુ કર્યું છે તો ય ઠીક નથી લાગતું. હિંમતો બાર્યગામ જાવાનો છે. સોમનાથ એના સાસરાનું સરાવવાનું છે. પે’લીવારનું સરવણું પુગ્યું નથી. સગા છોકરાંએ શ્રાદ્ધ નાખેલું તોય નો પુગ્યું. આપડું તો આ હિંમતો નાખશે. દાઝભર્યો. ગાળ્યું બોલીને નાખવાનો તે ક્યાંથી પુગે ? નરકમાં ય હાડ્યહાડ્ય થાવાના. આ તો મારા જવો માણહ તે ટકી ગ્યો છે બીજો હોય તો હાડફેલ થઇ જાય. ગામમાં ગવઢીયાવને આપડા ઉપર્ય લાગણી. બે-ત્રણ દિવસે આવીને ગપ્પા મારી જાય, બીડીયું લઇ જાય. કોઈ આપડા ઉપર્ય લાગણી રાખે ઈય હિંમતાને નો ગમે. કાંઈ જિંદગી છે ? કંઇક વાય આવી જાય છે. કોઈને ખબર્ય નહીં હોય કે ડોહો વાયથી પીડાય છે. હિંમતો જાણે પણ ઈ દવા કરાવે ? રામરામ ભજો. આજ તો બીડીયું પૂરી નથી થઇ. કોળણ્ય યાદ આવે છે. પે’લા ઘરનાં ય યાદ આવ્યાં. હે ભગવાન, શું થાહે !

ખોટી દોડાદોડી થઇ ગઈ. વિચારમાં ને વિચારમાં ક્યારે ભોં ઉપર પડી ગ્યો એનું ઓહાણ નો ર્યું. તે ટાણે જ કરશન આતા ને રવજી આતા ને વશરામ ભગત આવી ગ્યા. ભગત મંડ્યા વાહર નાખવા. શુદ્ધિ આવ્યા પછી શરમ આવી. લવારે ચડી જવાણું, ‘બીડીયું લેવા આવ્યા છો ભગત ? સાંજે સાત વાગ્યે આપી દઈશ, હજી વાળી નથી પણ વળાઈ જાહે.’ ભગત કહે, ‘ગાંડા, આ તો તું પડી ગ્યો એવું સાંભળ્યું અટલે હું, કરશનભાઈ ને રવજીભાઈ ઝટપટ આવ્યા. બીડીની કોણ પંચાત કરે છે ?’

ના, ના, બીડીની ચિંતા નો કરતા, સાંજે તમને, કરશનભાઈને રવજીભાઈને અરે બધાય ગરાગને વરધી પહોંચાડી દેવાની. અરે જાત્યે આપી જાઈશને. આ તો આજ કાંક્ય ઠીક નૈં હોય. ખાસ ચિંતા કરવાની જરૂર નથી. છાતીમાં થોડોક મૂંઝારો થઇ ગ્યો. હવે સારું છે. હમણા ફટોફટ તમારી બીડી વાળવા બેસી જાઉં છું ને. તમારી લીલા દોરાની, કરશનભાઈ અને રવજીભાઈની ધોળા દોરાની. આરતીટાણે બધોય માલ તૈયાર. આ તો જરાક છાતીમાં મૂંઝારો થઇ ગ્યો. ઘડીક વાર જ, કોઈ જાતની ચિંતા ન કરશો.


0 comments


Leave comment