5 - પાવય / કિરીટ દુધાત


બે વરસે ગામમાં પાછો આવ્યો છું. બધા બોલાવી, આગ્રહ કરીને ચા પાય, સોડા પાય, પાન ખવરાવે છે. ખાનગીમાં કૅવેન્ડરનો ટેસડો કરવાનું પૂછે છે, મારો જવાબ સાંભળીને બોલે છે, કૉલેજમાં આવ્યા તોય ચાલુ નથી કરી ? જોઉં છું કે બે વરસમાં ગામની શિકલ ઘણી બદલાઈ ગઈ છે. લોકો પણ ઉત્સાહથી એની વાત કરે છે. ચંદુમામા વીજળીના થાંભલાનો ઢગ બતાવી કહે, મહિનામાં ગામ ઝાકમઝોળ થઈ જશે. મેટલની ઢગલી રસ્તાની બન્ને બાજુ થતી આવે છે તેના અહેવાલો એકબીજાને અપાય છે, બધા હરખી પૂછે છે,
- કેમ ભાણા મજામાં ?
હું રામ રામ કરીને બધાના સમાચાર પૂછું છું.
- રવજીઆતા કેમ દેખાતા નથી ?
રવજીઆતા તો ગ્યા વરહે પાછા થ્યા.
- ગોરધનેય નો દેખાણો ?
ગોરધન સાળો, મુંબઈ જઈને મોટો કોન્ટ્રાક્ટર થઈ ગયો છે, આલાગ્રાન્ડ બંગલો બનાવ્યો છે ને કાંઈ.
હું મૂંઝાઈને બોલનાર સામે જોઈ રહું છું ચંદુમામા પામી જાય છે,
- સરપંચના ગોરધનની વાત નથી. કોડા.
- તો ? સામેવાળો મૂંઝાઈ જાય છે.
- ગોરધન પાવયની વાત કરે છે.
- પાવય ? હા, ગોરધન પાવાય ને ? ઈ તો જઈને બહુચરમાના મઠમાં બેસી ગ્યો. એ રાત્યે બધાય પાવૈયા ભેગા થઈને આવ્યા’તા તે ગોરધન સવારે એ બધાય ભેગો નીકળી ગ્યો. રીતસર માતાજીનો ભગત થઈ ગ્યો. પણ ઈ વાત જાવા દે. આ સરપંચનો ગોરધન છે ને ? સાળાની જિંદગી બદલાઈ ગઈ હોં, મુંબઈ જઈને લાખ્ખોપતિ થઈ ગયો, બોલો !

તો છેવટે ગોરધન પાવૈયો થઈ ગયો ? પછી મીઠીમાનું શું થયું ? ચંપાનું શું થયું ? એ બે જણી ગોરધનના ગળાની હાંસડી હતી. મેં એક વાર કોઢ્યમાં ગોરધનને પૂછેલું, ગામમાં બધાય વાતું કરે છે કે તમે મઠમાં બેસીને બહુચરાજીના ભગત થઈ જાવાના ઈ સાચું ?
એ ભઠ્ઠીમાં તપવા મૂકેલા લાલચોળ લોઢા સામું જોઈ રહેલો. પછી બબડ્યો, તો પછી ડોશીનું અને ચંપાનું રણીધણી કોણ ? પછી નિસાસો નાખીને બબડ્યો, હજી નૈં...હજી નૈં પછી મને ઠપકો દીધો,
- ભાણા આજકાલ તું વાતું બોવ કરાવ છ, એમાં મને વિચારવાયુ થઈ જાય છે, હાલ્ય જલ્દી ધમણ ખેંચી દે, હજી અડધા ઓડર પતાવવા બાકી છે.

મેં ધમણની સાંકળ ખેંચી. ભઠ્ઠીનો લાલચોળ પ્રકાશ એકદમ વધી ગયો. એ પ્રકાશમાં ગોરધનનું મોઢું કુમાશભર્યું લાગતું હતું, છોકરી જેવું. એ જોર કરીને લોઢા પર ઘણ ઝીંકતો હતો. પૂરતું બળ ન થવાથી લોઢું બરાબર વળતું નહોતું. લોકોએ ઘણા આવાજ સાથે પાવય એવો ધ્વનિ જોડી કાઢેલો એ યાદ આવ્યું. મને એ પણ યાદ આવ્યું : જયારે હું બે પાવૈયાઓના ગોરધનનું ઘર બતાવવા લઈ ગયેલો.

એક વાર મોટા પાદર હું અને જંતી રમતા હતા તે બે જણી આવીને ઊભી રહી,
- છોકરાવ, ગોરધનનું ઘર બતાવ તો.
- સરપંચનો ગોરધનને ? મેં પૂછ્યું.
- લે કર વાત, સરપંચનો નહીં, ગોરધન લુહાર. તુંય મારા જેઠ જેવો લાગે છે.
- હા, હા, ઈ ગોરધન તો અમારા નાકામાં રે’ છે, હાલ બતાવું.
- હેંડ ત્યારે ભઈ, હેંડ’લી સાધના.

જંતીએ મને શીત અવાજ કરી હાથના ઇશારા બતાવી વારવા ઘણું કર્યું. પણ ઘર બતાવવાના ઉત્સાહમાં મેં કશું ધ્યાને ન લીધું. છેવટે જંતી ખિજાઈને જા સાલ્લા, બોલીને મુઠ્ઠીઓ વાળી દોડી ગયો.

આ બાજુ ગોરધનના ઘેર પહોંચતાં કમઠાણ મંડાયું. પેલી બે જણી તાળીઓ પાડી દેકારો કરવા મંડી, મીઠીમાને ઝપટમાં લીધાં, માતાજીના સાચા ભગતને ઘરમાં પૂરી રાખ્યો છે પણ ડોસલી, આખા શરીરમાં કીડા પડશે, મીઠીમા ડઘાઈ ગયાં. એમને જૂનો દમનો હુમલો આવ્યો હોય એમ શ્વાસ ધમણ થઈ ગયાં. બીજું કશું ન સૂઝતાં મારો ગોરધન – મારો ગોરધન બોલવા મંડ્યા. ગોરધન ઓસરીની થાંભલી પાસે બેસી, બે ગોઠણ વચ્ચે માથું સંતાડી હીબકાં ભરવા માંડ્યો. ચંપા ભીંતને ટેકો દઈ કપડાના ટુકડા ઉપર મોરનું ભરત ભરતી હતી. એને કંઈ ન સૂઝતાં રડતાં રડતાં મોર પર ઠપકાભરી નજર નાખતી હતી. પેલીની ધમાલ ચાલુ હતી. છેવટે ગામમાંથી ચાર-પાંચ લોકોએ આવી બન્નેને સમજાવી-ધમકાવી રવાના કરી.
- એક ડાહ્યો માણસ બોલ્યો, આ બધીય અગાઉ બેત્રણ બાર ગામમાં આંટો મારી ગયેલી પણ કોઈએ ગોરધનનું ઘર નો’તું બતાવેલું. આ વખતે કોને કમત સૂઝી ?
- ઈ તો આ ભાણાનો કામો છે. કોઈએ મને આગળ કર્યો. એ ડાહ્યો માણસ થોડી વાર મારી સામું જોઈ રહ્યો.
*

- સાવ બોતાડા જેવો છો ! જંતી ખિજાઈ બોલ્યો.
- લે પણ, મને એમ કે ઈ બાયું ગોરધનની કાંક્ય સગી...
- કોડા, ઈ ક્યાં બાયું હતી ?
- તો માણહ હતી ? જોતો નથી ઘાઘરા-પોલકાં પેર્યા’ તાં.
- માણહ પણ નો’તી.
- બાયું નો’તી કે છો ને વળી કે છો માણહ નો’તી !
- પાવૈયા હતા, પાવૈયા શું ?
- લે, એટલે શું ?
- માણહમાંય નૈં ને બાયુંમાંય નૈં.
- શું કે છો જંતી ! આમ તો જંતી બુદ્ધિશાળી છે એમ અને ખ્યાલ હતો. આવાં રહસ્ય પણ જાણે છે એ ખ્યાલ આવતાં મને એનાં તરફ માન થઈ આવ્યું.
- એણે ધીમેથી મારા કાનમાં કહ્યું, આ ગોરધન ને ?
- હંઅં.
- ઈ પાવય છે.
- લે, પણ ઈ તો માણસ જેવો પાટલૂન પે’રે છે ને.
- પણ છે પાવય.
- માણહમાંય નૈં ને બાયુંમાંય નૈં ?
- નૈં એટલે નૈં, જંતીએ આખી વાત ફાઈનલ કરી નાખી.
- પણ ઈ તો માળુ પાટલૂન અને બુશ્કોટ પે’રે છે ને હેં ?
- સાવ બોતાડા જેવો છો ! જંતી ખિજાયો.
*

ગોરધન મીઠીમાના પેટમાં હતો ત્યારે એના બાપા ગુજરી ગયેલા. ચંપા એ સમયે એકાદ વરસની. કુટુંબમાં કોઈ કમાનાર ન રહ્યું. મીઠીમાને મનમાં ફડક બેસી ગઈ કે છોકરી આવી તો પિંડદાન કરનારું પણ કોઈ બચશે નહીં. એટલે દિવસરાત એમના મનમાં એમ જ રટણ રહ્યું કે દીકરો જ આવશે. ગોરધનની જાતિ વિશે સૌથી પહેલા એમને ખ્યાલ આવેલો. પણ મીઠીમાએ આઘાત ન લાગે એટલે ગોરધન છોકરો છે એવી વાત કરેલી. પછીથી સાચી વાત જાણવા છતાં ગોરધન છોકરો છે એ સિવાય બીજી કોઈ વાત માનવા તૈયાર નહોતાં. પહેલેથી એને છોકરાનાં કપડાં પહેરાવતાં. જોકે આ વાત ગામનું નાનું છોકરડું પણ જાણતું, એટલે બધા ગોરધને ખીજવવાનું ન છોડતા. ઘણા છોકરા એનાં પર હાથ ઉપાડી લેતાં. સામે પક્ષે ગોરધન બધામાં ભળવાનું ધીમે ધીમે ઓછું કરી નાખેલું. મીઠીમાએ એને નિશાળે મોડો મૂકેલો. ત્યારે પણ એ છોકરાઓના ત્રાસથી ગૂંચવાયેલો રહેતો. મીઠીમાએ એને ચારપાંચ ચોપડી ભણાવી તરત ઉઠાડી લીધેલો, સીધો લુહારનો કોઢ્યે જોતરી દીધો’તો. ગોરધનનું કાઠું આવું મહેનતનું કામ કરી શકે તેમ નહોતું. પણ મીઠીમા એ વાત માનવા તૈયાર નહોતાં. ગામનાં મહેણાંટોણા સાંભળીને એમનું મન એવું આળું થઈ ગયેલું કે ગોરધન જરાક જેટલી પણ થાકની ફરિયાદ કરે તો કાળઝાળ થઈ જતાં હતાં. એમને મન ગોરધનનું આ દુનિયામાં પોતાનું પિંડદાન અને ચંપાના લગ્નમાં જવતલ હોમવા સિવાય કોઈ કર્તવ્ય નહોતું. ચંપા જે ઝડપે કાઠું કાઢતી હતી તે જોતાં એ પોતાનાં આગ્રહોમાં કોઈ ફેરફાર કરવા તૈયાર નહોતાં.

હું નિશાળેથી છૂટી ઘેર દફતર મૂકી રમવા નીકળું ત્યારે ગોરધન કોઢ્યમાં કામ કરતો હોય. જોરથી ઘણ મારવાના પ્રયત્નોમાં મોટેથી હે...હ’ હે...હ’ બોલતો... એ સાંભળીને મને ઘણી મજાં પડતી. શરૂ શરૂમાં હું એનું હે...હ સાંભળવા જતો. એની સામે કોઢ્યમાં બેસી હસ્યા કરતો. એને બળ પડતું એ પણ જોતો. એને ધમણ ખેંચી આપે તેવા કોઈ માણસની જરૂર પડતી. એ કહેતો,
- ભાણા એમ બેઠો બેઠી હી... હી... કર્યા કર્ય છો ઈ કરતાં હાલ્ય ઘડીક ધમણ ખેંચી દે.
હું જોરથી ધમણ ખેંચવા કરતો. એ ઘણ ઝીંકવાના પ્રયત્નો કરતો. થોડી વાર પછી બન્ને થાકીને એકબીજા સામું જોઈ હાંફતા હાંફતા બેસી રહેતા. મને થતું કે હું તો સાતમું ભણું છું એટલે વધારે મહેનત ન થાય પણ ગોરધન જોર નથી કરી શકતો એ ઘણી નવાઈ કહેવાય, કદાચ મીઠીમા એને ઘીદૂધ નહીં ખવરાવતાં હોય.

ગોરધનની કોઢ્યે ઘણા લોકોની અવરજવર રહેતી. ઘરાક ઉપરાંત ગામના ઉતાર જેવા લબાડ પણ આંટા દેતાં. રાથળી ગામનો હાથીબાપુ પણ ક્યારેક બેઠો હોય. હાથીબાપુ વિશે તરેહ તરેહની વાતો થયા કરતી. બાપુના ગઢમાં કઈ વસવાયાં પણ ન મૂકે. મફતની મજૂરી ઉપરાંત મારઝૂડ તો ખરી જ. હાથીબાપુના હજૂરિયા ક્યારેક એકલદોકલ ખેડૂતને સીમમાંથી વેઠ કરવા સીધો રાથળી ઉપાડી જતા. એ સિવાય રાથળી ગોડિયા કે ભવાયા પણ રમવા ન જતા. ભૂલથી ક્યારેક કોઈ ભવાયા રાથળીમાં જઈ ચડે તો જબરી થતી. ખેલનો બધો ખર્ચ બાપુ આપે. બદલામાં શરત એટલી કે ખેલ બાપુના ગઢમાં કરવાનો. બાર-એક વાગ્યા સુધીમાં એકાદ ખેલ થાય એટલે બાપુ બધાય લોકોને ઘેર રવાના કરી દે. પછી ગાનેવાલી થયેલ છોકરાંઓને બાપુ ખોળામાં બેસારે. એની કપડાંની બનાવેલ છાતી દબાવે. તરેહ તરહેની વાતો થતી. ઘણાં ભવાયા રાત્રે ત્રણ વાગે ઉચાળા ભરી ગયાની પણ વાયકા હતી. એ હાથીબાપુની નજર ચંપા ઉપર હતી. ગોરધન બાપુને અહીં ન આવશો એમ કહેતાં બીતો હતો. બાપુએ મન ગોરધન પાવય હતો એટલે ચંપા ખાસ મુશ્કેલ નહોતી. ગોરધનને મન એટલું સારું હતું કે બાપુ હજી કોઢ્ય વટીને ફળિયા સુધી ગયા નહોતા. ગોરધનને ચિંતા હતી કે બાપુ જો કંઈ આડુંઅવળું કરે તો ચંપા વગોવાઈ જાય. પછી એનો હાથ કોણ પકડે ? આમેય ગોરધન પાવય છે એ કારણે ચંપાનાં માગાં પાછાં આવતાં હતાં. કંઈ થાય તો વગોવાઈ ગયેલ ચંપાને આખી જિંદગી ગોરધનની છાતી ઉપર બેસવાનું આવે. હાથીબાપુ બહુ રાહ જોવામાં માનતા નહોતા. એક વાર ચિક્કાર પી ખુલ્લી તલવારે ગોરધનના ખોરડે આવ્યા. બાપુ જરૂર કરતાં વધારે નાખી ગયેલા એટલે પગ ગરબા રમતા હતા. ક્યાં ગઈ ચંપલી, બોલતાં હલાણમાં આંટા મારતા હતા. નશામાં એમને ગોરાધના ફળિયાની દિશા દેખાતી નહોતી. નહીંતર એમને મન ડામચિયા પાછળ સંતાઈ ગયેલી ચંપાનું કાંડું ખેંચીને બહાર કાઢવી રમત વાત હતી. હું અને ગોરધન કોઢ્યમાં હતા. ઓશિયાળો થઈને મારી સામું જોતો હતો. હું લાગમાં હતો કે મોકો મળે તો ધમણની બોખ પાછળ સંતાઈ જઈએ. ગોરધન ધ્રૂજતો હતો. અચાનક એ ધ્રૂજતાં ઊભો થયો અને હાથમાં ઘણ લઈને દોડ્યો, તારી જાતના ટેંટા, વયો જા નૈતર વધેરાઈ જા’શ, કહીને એણે હાથીબાપુ સામે ઘણ ઉગામ્યો. બાપુ સાવ થોથરાઈ ગયા, તું – તું પાવય થઈ મને ગાળ્ય દે છો ? મેં તો ભવાયામાં અર્જુન અને પૃથ્વીરાજ ચૌહાણના ઘણા ખેલ જોયેલા. એની સરખામણીમાં ઘણ ઉપાડીને ધ્રૂજતો ઊભેલો ગોરધન હસવું આવે તેવો લાગતો હતો. પણ હાથીબાપુ લથડતાં પગે પાછા વળી ગયા.

આ બનાવ પછી ગોરધનની આબરૂ ગામમાં વધવી જોઈતી હતી, પણ જે બધા નીચી મૂંડીએ હાથીબાપુની વેઠ કરી આવેલા એમણે ગામને ચેતવણી આપી, હાથીબાપુની આબરૂ ઉપર ઘા કર્યો છે, જો જો ગામ ઉપર કઠણાઈ બેસવાની છે.

એ પછી ગામના ઉતાર જેવા લોકો ગોરધનની કોઢ્યે આવતા બંધ થઈ ગયેલા. ગોરધનને બીક પેસી ગયેલી.
- ભાણા, હાથીબાપુ બદલો તો નહીં લે ને ? ઈ છે ઝેરીલો. એવું વારંવાર પૂછ્યા કરતો.

છેવટે ગોરધનની બીક સાચી પડી. એ દિશા ગયેલો ત્યાંથી હાથીબાપુ માણસો એને બારોબાર ઉઠાવી ગયા. ગામમાં ખબર પહોંચી ત્યારે મીઠીમાએ દોડાદોડ કરી મૂકી. તલાટી, સરપંચ અને જૂના પોલીસ પટેલ પાસે આજીજી કરી જોઈ. કોઈની હિંમત ચાલી નહીં કે રાથળી જાય. છેવટે ચાર દિવસે ગોરધન પાછો આવ્યો હાથીબાપુ ચંપા સાથે જે આચરી નહોતાં શક્યા તે એણે ગોરધન સાથે આચરેલું. હું ખબર પૂછવા ગયો ત્યારે એ પડખાભેર ખાટલામાં સૂતેલો. આવ્ય ભાણા, કહીને એ ખસિયાણું હસ્યો, જો જીવતો પાછો આવ્યો છું. મેં એનો કોમળ હાથ મારા હાથમાં લીધો. હથેળીમાં ઘણ પકડીને પડી ગયેલી ગાંઠો ઊપસી આવેલી. હું ચૂપચાપ એમ જ બેસી રહ્યો.

અઠવાડિયા પછી કોઢ પાસેથી નીકળ્યો ત્યારે એ જ ઘણના અવાજ અને સાથે ‘હે...હ’ હું કોઢમાં ગયો ત્યારે એ ઉત્સાહમાં હતો, આવ્ય ભાણા, ઘડીક ધમણ ખેંચ લે. હું ધમણે બેઠો. એ બોલવા મંડ્યો, હાથીબાપુ અને એના જેવા લફંગા આવતા બંધ થઈ ગ્યા છે. હવે બેચાર મહિનમાં ડોશીને ચાર ધામની જાત્રા કરાવીને પછી ચંપાના હાથ પીળા કરવા છે, એનો ભાઈ છું ને ? મને હસવું આવ્યું. એ સમયે પેલા પાવૈયા ફરી આવતા થયેલા. મેં કહ્યું, મેલો ને માથાકૂટ, બેસી જાવને માતાના ભગત થઈને.
- ના ના હો, એમ કંઈ અધૂરેથી જવાય ? કહીને એ ચૂપ થઈ ગયો.
ગામમાં કાનાફૂસી ચાલતી હતી કે ગોરધને દિવસરાત ધમણ ચલાવી ઘણો દલ્લો ભેગો કર્યો છે. એમાંથી મીઠીમાને જાત્રા અને ચંપાને સાસરે વળાવવાની છે. મેં એકબે વાર એને પૂછેલું કે સાચું શું છે ? ત્યારે એણે વાત ઉડાવી દીધેલી. એક દિવસ હું રોજની ટેવ મુજબ કોઢ્યે ગયો ત્યારે ગોરધન હાંફળોફાંફળો બધું વીખતો હતો. એના મોં પરથી પરસેવાના રેલા દડતા હતા. આંયાં હતા, આંયાં જ હતા, એમ અબડતો હતો. મેં પૂછ્યું કે શું કરો છો ? પણ એ બોલ્યો નહીં. બધું ફેંદી નાખ્યું. છેવટે થાકીને એ પોતાની ગાદી પર બેઠો.
- શું છે ગોરધનભાઈ ?
- પૈસા, એ બોલ્યો, ડોશીની જાત્રા અને ચંપાનાં લગ્નના પૈસા કો’ક ઉપાડી ગયું, બોલતાં બોલતાં એ ધ્રૂજી ગયો. છેલ્લાં ત્રણ વરસથી પાઈ પાઈ કરીને ભેગા કર્યા છે, કો’ક ઉઠાવી ગયું. બોલતાં હાડક દઈને ઊભો થયો. ધમણનો ડાંડિયો પકડીને એના પર માથું ટેકવી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એના હાથમાંથી લોખંડનો ઠંડોગાર ડાંડિયો માંડ છોડાવ્યો. એની જગા પર બેસીને થોડી વાર રડ્યો પછી લાંબો નિ:શ્વાસ નાખીને બોલ્યો, ઠીક તંઈ બીજાં ત્રણ વરસ વધારે, બીજું શું ?

બે ત્રણ દિવસ પછી કોઢ્ય પાસેથી નીકળ્યો ત્યારે ઘણના ઘા અને હુંકારા ચાલુ હતા. મને નવાઈ લાગી. હું કોઢ્યમાં જઈ ઊભો રહ્યો. ગોરધને ઊંચું જોયું. ઘણની સાંકળ તરફ ઇશારો કર્યો. મેં ઇશારાથી પૂછ્યું, આ બધું શું ચાલું કર્યું ? એણે પાળ પર બેત્રણ વાર આંગળી ઠપકારી થોડી સ્મિત કર્યું, પણ કશું બોલ્યો નહીં. પછી એ દિવસોમાં ગોરધન બહુ બોલતો નહીં. મારે પણ એસ.એસ.સી.ની પરીક્ષાની તૈયારીમાં, ત્યાં જવાનું ઓછું થઈ ગયેલું. પરીક્ષા પતી ગઈ પછી આગળ અભ્યાસ માટે અમદાવાદ જવા નીકળ્યો ત્યારે ગોરધનને મળવા ગયેલો. હું જાઉં છું એ જાણી ઉદાસ થઈ ગયેલો. પછી ઊભો થઈ ગાંઠો વળી ગયેલી હથેળીથી મારી પીઠ થપથપાવેલી. હું કોઢ્ય બહાર નીકળ્યો તે સાથે એના ઘણનો અવાજ ચાલું થઈ ગયેલો. આજે એકલો પણ લવતો હતો. હુંકારા ચૂપ હતા.

ગામમાંથી અમદાવાદ આવતા પત્રોમાં ગોરધનના સમાચાર હોય તેવી આશા રાખવી નકામી હતી. રૂબરૂ મળતા તેમણે ગોરધનના સમાચાર પૂછતાં, સરપંચના ગોરધનની વાતો વધારે કરતા. ધીમે ધીમે એ મનના એક ખૂણામાં ધકેલાઈ ગયો. આજે બે વરસે ગામમાં આવ્યો તો એ યાદ આવી ગયો. બધા પાસે એ નીકળી ગયો, સિવાયની માહિતી નહોતી. મેં ચોરે જઈને જંતીને શોધ્યો.
- જંતી, ગોરધન ક્યાં ગયો ?
- એ તો પાવૈયો થઈ ગયો.
- અને મીઠીમા, ચંપા ક્યાં ગયાં ?
- એ બેય ઠેકાણે પડી ગયાં.
- એટલે શું થયું એમનું ?
- ગોરધન તો પૈસાવાળો નીકળ્યો. ત્રણ વરસમાં ઘણા પૈસા બચાવેલા. એટલે એ આગ્રહ કરીને મીઠીમાને ચાર ધામની જાત્રા કરાવવા ગયો. એ, ચંપા અને મીઠીમા ત્રણેય જાત્રા કરવા નીકળ્યાં, ડોશીમા દ્વારકામાં જ દમના હુમલામાં ઊકલી ગયાં. એની અંતિમક્રિયા ત્યાં જ પતાવી ગોરધન અને ચંપા ગામમાં પાછાં ફર્યા. ડોશીમાનું બારમું પતાવી ગોરધને તરત ચંપાનાં લગ્ન ગોઠવ્યાં.
- કો’ક બીજવર હશે ?
- ના – ના – છોકરો કુંવારો. પણ શું કે એની પાંત્રીસ સાડત્રીસની ઉંમર થઈ ગયેલી. એમ તો ચંપાય બત્રીસની ખરી, ગોરધને કામ તો પાકું કર્યું.
- જબરું
- જબરું, પણ ગામમાંથી કોઈ લગ્નમાં નહોતું ગયું. જાનૈયા કરતાં માંડવિયા અર્ધા પણ નહીં હોય.
- કેમ ?
- કેમ કે પાવૈયનું તે કાંઈ ખવાતું હશે ? ગોરધનનું કામ પૂરું થયેલું. ઓલ્યા પાવિયા પણ ઘણા ટાઈમથી આંટાફેરા કરતા હતા. એ રાતે બે – ચાર જણ આવ્યા. બીજા દિવસે ગોરધન ને લઈને નીકળી ગયા.
- પછી કાંઈ સમાચાર ?
- ચંપાની જાન વળાવી ત્યારે તેનાં સાસરિયાં વચન લેતાં ગયેલાં કે ગોરધન હવે જિંદગીમાં કોઈ દી’ ચંપાને નહીં મળે. એટલે એની સગી બહેન પાસે પણ સમાચાર નહીં હોય તો પછી આપણી પાસે શું હોય ? ગામમાં પરવાય કોને છે ?
- એની કોઢ્ય, શું થયું ?
- કોઢ્યમાંથી કામની વસ્તુ ગામવાળા ચોરી ગયા. બાકીનું એમનું એમ છે ચાલ તારે જોવી છે ?

અમે બન્ને ગોરધનના ઘર બાજુ ગયાં. સાંકડી નવેળીમાંથી એના ઘરમાં સૌ પહેલાં કોઢ આવે. એનાં બારણાં અધખુલ્લાં હતાં. લોઢાંને પાણી ચડાવવાની કુંડીમાં મેલાં પાણી ઉપર ઝીણી રજનો આછો થર બાઝી ગયો હતો. અંદર મરેલા મંકોડા તરતા હતા. ધમણના ડાંડિયાની સાંકળ કો’ક કાઢી ગયું હતું. અજાણતા જે વસ્તુને અડાઈ જાય ત્યાંથી ધૂળના ગોટા ઊડતા હતા. અમે બહાર નીકળી એનાં ઘર બાજુ ગયા. એનાં બારણાં પણ ઉઘાડાં હતાં. રસોડામાં જાળિયામાંથી તડકો ત્રાંસી ધારે ચૂલા ઉપર પડતો હતો. એનાં પ્રકાશમાં ધૂળનાં રજકણો તરતાં હતાં. બાજુના ઓરડામાં ભોંય ઉપરથી ગારના પોપડા ઊખડી ગયા હતા. એક ખૂણામાં ખાડા જેવી બખોલમાં નાગ ગૂંચળું વળીને પડ્યો હતો. અમારા બોલાશથી એણે ફેણ ઊંચી કરી ફૂંફાડો માર્યો પણ જતા રહેવાની કોઈ હિલચાલ ન કરી.

હું અને જંતી બહાર નીકળી ગયા. ફળિયામાં થઈ બહાર નીકળવા નવેળી માં આવ્યા. અચાનક મેં પાછા ફરી ગોરધનની કોઢના બારણાં બંધ કરી, સાંકળ ભીડી દીધી.


0 comments


Leave comment