7 - પડછાયા / ઉદયન ઠક્કર


સાંજે અમે બે પાછા વળતાં, ત્યારે પછવાડે સૂરજ રહેતો,
અને આગળ આગળ પડછાયા. પડછાયા એકમેકને અડકીને ચાલતા.
અમે વિચારતા કે આ બે, મારા વા’લા, પ્રેમમાં પડેલા લાગે છે.
પાછળ જવાથી તેમણે સંકોચ થતો હશે એવું શરૂઆતમાં લાગેલું,
પણ તેઓ તો અમને ગણકારતા જ નહિ. તેમને જોઈને અમે પણ
એકબીજાંની સાથે ચુપચાપ ચાલવું શીખ્યાં.
પડછાયા ઉપરછલ્લી બધી વિગતો ભૂંસી નાખતા અને ઐતિહાસિક પાત્રોની
જેમ અણિશુદ્ધપણે આકર્ષક લાગતા. આ બે પડછાયા એકમેકને મળી આવ્યા એ કેવો વિરલ યોગ !


0 comments


Leave comment