13 - આવકારની ગીતિકાઓ / ઉદયન ઠક્કર


૧.
શિયાળુ સવારનો પ્રવાસી
પોતાના મોંમાંથી નીકળ્યે જતા
ધુમ્મસના ગોટેગોટા ને તાકી રહે
એવા આશ્ચર્યથી અને એવા આહલાદથી
તારા અહીં હોવાપણાને
હું જોંઉ છું

૨.
તારા વિષે જે કરવાના બાકી છે
એવા સિલક વિચારોને
ખિસ્સામાં ભરીને હું સવારે નીકળું છું.
એ વિચારોને
‘સમય મળશે વિચારીશ’ની
ખોટી એપૉઇન્ટમેન્ટ આપું છું
કેટલોક આનંદી સમય મુલતવી રાખ્યો છે
એવા છૂપા ઉત્સાહમાં બાકીનો સમય કાપું છું
તારા વિચારોને ખિસ્સામાં ભરીને
હું રોજ સવારે નીકળું છું


આતશબાજીના રંગરંગીન લિસોટાઓથી
આકાશ આખુંય ભરાઈ ગયું છે
તારાથી મારું મન તર છે

૪.
તું અનાયાસે આવી મળી
હવે પછીના મારા કંઈ કેટલાયે ન શરૂ થયેલા દિવસો
પરિપૂર્ણ થઈ ચૂક્યા

૫.
એક મહાન સિમ્ફનીની જેમ તું રણકતી ઝણકતી જાય છે
મારું વાજિંતર લઈને હું સૂર પૂરું છું
હું તારો નાનેરો સાજિંદો છું
હા, હુંય તારે માટે સંગીત રચું છું
તારી સંકુલ રચનાનો
હુંય ઘટક છું

૬.
ફૂટબૉલની રમતમાં ગોલ થતાં
એકાએક ઊભા થઈ ઊઠતા ચાળીસ હજાર પ્રેક્ષકોની જેમ
હું ક્યારેક તારા આવ્યા વિષે પૂરો જાગી ઊઠું છું

૭.
એક વખત એક પુરાણું મકાન હતું
કોઈ રાત્રે તેની પર બત્તીઓ થઈ
- ઝીણી બત્તી, રંગીન બત્તી
ખુશ બત્તી, એથીય વધુ ખુશ બત્તી
ખડખડાટ હસતી બત્તી, ખંજનવાળું હસતી બત્તી
બસ બત્તી જ બત્તી
અને કહેવાય છે
કે એ થાક્યુંપાક્યું મકાન
આનંદમાં સ્તબ્ધ બની
રાત આખી સૂઈ ન શક્યું.


0 comments


Leave comment