3 - વેળા - પ્રસ્તાવના / સુમન શાહ


(આ) અંકમાં મનોહર ત્રિવેદીનું ગીતસપ્તક નોંધપાત્ર દીસે છે. આ પંક્તિઓનું કાવ્યત્વ આસ્વાદ્ય છે : ‘ખડખડ વહીને પેલાં ઝરણાંઓ બોલે તો/ ફૂલ નહીં રહેવાનાં ચુપ’, ‘મને હે નિંદ્રા, તેં ઝળઝળ કર્યો સ્વપ્નક્ષણમાં /યથા દીપે જેવી રસિક વધૂ કંઠાભરણમાં...’ ‘ક્યાંકથી પાલવ ફરકે એવી /ડમરી ઊઠી દૂર / ડાળમાં કામાવેગથી સૂડો ખેરવે એના સૂર રે હોજી ખેરવે એના સૂર.’/ ‘નદી કિનારે છીપરમાં તડ્ય પાડી ફણગ્યાં તરણાં હો / નીરખી નીરખી ઊછળતાં જાણે કે હરણાં હો’. જેવું શક્તિશાળી દ્રશ્યકલ્પન ધરાવતી આ કેશ કે સાવનઘટા ?’ રચના તેમ જ ખણક ખણક ને છલક છલક વગેરે... ના પ્રાસાનુબન્ધમાં નાચતું ‘નૃત્યગીત’ – બન્ને – આ સાતેયમાં અમને ખૂબ ગમી ગયાં છે. ઘણાં વરસો પછી અમને થોડા જુદા સ્વાદની ફ્રેશ રોમૅન્ટિક રચનાઓ માણવા મળી. કોણ કહે છે કે રોમેન્ટિસિસ્ટ કવિતા નકામી વસ્તુ છે ! કલ્પનાથી ઉપજાવી કાઢેલા રોમાન્સ જરૂર નકામા. વોલ્ટ વ્હિટમન, શિવનાનન્દ દાસ, પ્રહલાદ પારેખ અને લાભશંકર ઠાકરની ઘાસ-ચર્યા-દરેકની જુદી છે છતાં કેવી તો કાવ્યસમર્પક છે....

- સુમન શાહ
(સામયિકી-૪, ‘ઉદેશ’ એપ્રિલ ૨૦૧૦)
આ ગીતસપ્તકના સંદર્ભ માટે જુઓ સંગ્રહનાં પૃષ્ઠ ૬૫ થી ૭૧


0 comments


Leave comment