1 - પપ્પા, હવે ફોન મૂકું ? / મનોહર ત્રિવેદી


...તો પપ્પા ! હવે ફોન મૂકું ?
તમને યે મોજ જરી આવે તે થયું મને STDની ડાળથી ટહુકું ?
હૉસ્ટેલને?... હૉસ્ટેલ તો ફાવે છે... જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે... રંગભર્યું મ્હેકે છે... ડાળખીમાં કરે ઝુલાઝૂલ

ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું.

મમ્મીબા જલસામાં?... બાજુમાં ઊભી છે?... ના ના... તો વાસણ છો માંજતી,
કે’જો... આ દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી

સાચવજો... ભોળી છે... ચિન્તાળુ... ભુલકણી... પાડજો ના વાંકું કે ચૂંકું,

શું લીધું?... સ્કૂટરને?... ભારે ઉતાવળા... શમ્મુ તો કે ’તો’તો...ફ્રિજ
કેવા છો જિદ્દી?... ને હપ્તા ને વ્યાજ?... વળી ઘર આખ્ખું ઠલવશે ખીજ

ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય... કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું
તો, પપ્પા ! હવે ફોન મૂકું?
*
( ચિ.ગોરજને અર્પણ )

૨૦-૦૯-૧૯૯૯ / સોમ


0 comments


Leave comment