2 - હું ભરનીંદરમાં હોઉં / મનોહર ત્રિવેદી


હું ભરનીંદરમાં હોઉં અંગૂઠો મરડી સખી જગાડે
સવારની ચાદર ખેંચીને ઓચિંતી જ ઉઘાડે!

બચી ભરી પસવારે તો જાણું કે દીધું ફૂલ
પંખીના કલરવમાં ક્યાંથી ખરબચડી આ ધૂળ!

મધુમાલતી કદી કહો શું ગુસ્સો કરી દઝાડે ?

નાહીધોઈ અર્ધ્ય આપતી જળનો તુલસીક્યારે
કોઈ ડાળખી લચી પડી જાણે કે ફળના ભારે

જોઈજોઈને સૂરજ પ્રગટ્યા મારે રોમ-રૂંવાડે!
પડોશની વાતોમાં તો તે એક સરોવર શાંત
એની લુચ્ચાઈને કિન્તુ જાણે કોણ નિતાંત ?

હોઠ ભીંસતી આંખ મારતી સરતી કમાડ આડે
હું ભરનીંદરમાં હોઉં અંગૂઠો મરડી સખી જગાડે.
*
૦૧-૦૮-૨૦૦૧ / બુધ


0 comments


Leave comment