23 - ત્રિપદી / ઉદયન ઠક્કર


એક કલરવતી કેડી પર ચાલ્યા
હાં રે ગમતાને હારે રાખી ને
જો ઇશારાની એડી પર ચાલ્યા !

એક ઠેસે કમાડ ખોલીને
ઝીણું ઝરણું રણક ઝણક ચાલ્યું
પહાડ જેવો પહાડ ખોલીને !

કેટલી ખુશખુશાલ જગ્યા છે !
પીપળે હીંચવું કે આંબલિયે ?
એ વિના ક્યાં કોઈ સમસ્યા છે...

ના કોઈ ભીંસ ના કોઈ અડચણ
કંઠમાં વાયરાની વરમાળા
આંખમાં ઓસબિંદુનું આંજણ

વાયરામાં વહી જતા પહાડો
જોઈને ખીણના વળાંકોને
પાણીપાણી થઈ જતા પહાડો !

હે જી ઝીણાં ઝરણ મળી આવ્યાં
ટહેલતાં ટેકરીએ અલગારી
સોનવર્ણા સ્મરણ મળી આવ્યા !


0 comments


Leave comment