25 - અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત / ઉદયન ઠક્કર

મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી
ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું ?
મારી છાતીમાં ટશરાતાં ઇચ્છાનાં પૂર,
પૂર કેટલી રાત્યુંની રાત ખાળું ?
જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી
ને પૈણાનાં દાણ ચણું મીઠાં
ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ
રીતસર હારબંધ ઊડતા દીઠા !
કેમ પાંખ્યું ફફડે છે ? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

0 comments

Leave comment